Amtha Amtha Kem Na Hasiye By Sairam Dave ( Humouras Articles)
અમથાં અમથાં કેમ ન હસીએ?
સાંઈરામ દવે
સદાય હાસ્યસભર ચહેરાને મળીને જોનાર આનંદ અનુભવે છે... વળી ક્યારેક પોતાની મુશ્કેલીઓ અને તકલીફોને ભૂલવા માટે પણ આપણી આસપાસ આનંદમય વાતાવરણ પ્રસરાવે અને સદાય હસતા રહે તેવા વ્યક્તિઓની આપણને જરૂર હોય છે. પણ શું આપણને આવા ચહેરા, આવા વ્યક્તિઓ સરળતાથી મળે છે ખરા? જવાબ છે ‘ના’. આજનો માનવી જાણે કે હસવાનું ભૂલી ગયો છે! સદાય ચહેરા પર સ્મિત હોય તેવા વ્યક્તિઓ કેટલા? દરેક પરિસ્થિતિ અને મુશ્કેલીઓ નિશ્ર્ચિત સમયે જ દૂર થાય છે... એવું જાણવા છતાં વિપરીત પરિસ્થિતિમાં હાસ્ય સાથે જીવવું ઘણું મુશ્કેલ છે અને કદાચ આથી જ આજના યુગમાં કુદરતી રીતે હસવાનું ભૂલેલા મનુષ્યોને ખોટું ખોટું હસાવવા માટે બાગ-બગીચાઓમાં, ગલીએ ગલીએ લાફીંગ ક્લબ ચાલે છે. હો હો... હા, હાહીહી... કરી ખોટું ખોટું પણ હસવાનું... આ હાસ્ય આપણને સ્વસ્થ બનાવે છે. શારીરિક અને માનસિક તાણને દૂર કરવામાં ઉપયોગી થાય છે.
પ્રસ્તુત પુસ્તક પણ આવી જ કાંઈક વાત કરે છે. જરૂરી નથી કે કોઈ ચોક્કસ કારણ હોય તો જ હસી શકાય. અમથાં અમથાં પણ હસી શકાય. આપણી આસપાસ ક્યાંક ને ક્યાંક હાસ્ય રહેલું છે. જરૂર છે એને માણવાની અને દિલ ખોલીને હસવાની. આ પુસ્તકમાં ખડખડાટ હસાવતા હાસ્યલેખો છે જે વાચક માટે વાચનની સાથે ટોનિકની પણ ગરજ સારે છે. જુદા જુદા 48 હાસ્યલેખોથી રસપ્રદ એક જ બેઠકે વાંચી જવાની ઘેલછા લાગે તેવું આ પુસ્તક છે.
હા, લેખોનાં શીર્ષક પણ હાસ્ય પ્રેરે તેવાં છે તો વળી એ લેખમાં આલેખાયેલી વાતો એથી પણ વધુ અસરકારક છે જેવા કે ‘કાઠિયાવાડનું બીજું નામ ગાંઠિયાવાડ હોવું જોઈએ’ પ્રકરણમાં લેખનો અને તમામ કાઠિયાવાડી પ્રજાનો ગાંઠિયાપ્રેમ જોવા મળે છે અને તે પણ હાસ્યસભર શૈલીમાં. આ જ રીતે બીજાં ઘણાં પ્રકરણ છે જેવા કે સરપંચ કે અસરપંચ?, વાંઢાપણાનો વૈભવ, વાટકી વહેવાર, હાસ્યસમ્રાટને હાસ્યાંજલિ, પેટ્રોલદાન મહાદાન, પત્નીમેવ જયતે, ખુશ્બૂ છકડે કી, અડદિયા પુરાણ... યાદી ઘણી લાંબી છે પણ પ્રત્યેક લેખમાં શબ્દે શબ્દે હાસ્ય છલકાય છે...
સમયની તાણ અનુભવતા આજના આધુનિક માનવીને મુક્તમને હસવાની અને બે ઘડી હળવાશ માણવાની પણ જ્યારે ફુરસદ નથી ત્યારે આ પુસ્તક અને તેના લેખો વ્યક્તિને નવપલ્લવિત કરશે. નવી ફોરમ પહોંચાડશે અને હાસ્યરસને વાચકના મુખ પર પહોંચાડી તેના જીવંત હોવાની ખાતરી અવશ્ય કરાવશે. હાસ્ય કલાકાર બોલે અને શ્રોતાઓ સાંભળીને હસે તે વાત ખૂબ સહજ છે પણ કાંઈક લખવું અને તે વાંચીને અન્યનું હસવું એ ખૂબ મુશ્કેલ કામ છે પરંતુ હાસ્યકલાકાર સાંઈરામ દવેની કલમે લખાયેલા લેખોમાં પણ એ તાકાત છે જે વાચકને ખડખડાટ હસાવી શકે છે.
|