લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ માટે બિનહથિયારી કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, જેલસિપાહી માટે
બમ્પર ભરતી પરીક્ષાની જાહેરાત કરવામાં આવેલ છે.જે ઉમેદવારો પોલીસ ભરતીમાં જોડાવવા માંગતા હોય તેઓએ
૭ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ઓજસની વેબસાઇટ પર અરજી કરીને આ ભરતી પરીક્ષામાં ભાગ લઇ શકે છે.
આ પરીક્ષા કોણ આપી શકે ?
આ પરીક્ષામાં ભાગ લેવા માટે વયમર્યાદા સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે ૧૮ થી ૩૩ વર્ષ હોવી જોઈએ વયમર્યાદામાં
છૂટછાટ નીચે મુજબ છે.
સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવાર માટે ૫ વર્ષ
અનુસૂચિજાતિ, જનજાતિના પુરૃષ ઉમેદવારો માટે ૫ વર્ષ.
અનુસૂચિત જાતિ, જનજાતિના મહિલા ઉમેદવાર માટે ૧૦ વર્ષ
શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ ૧૨ પાસ હોવું જોઈએ.
કમ્પ્યુટરનું જ્ઞાાન અનિવાર્ય છે. આથી સીસીસી સર્ટિફિકેટ અથવા ધોરણ ૧૦ કે ૧૨માં કમ્પ્યુટર એક વિષય તરીકે હોવો જોઈએ.
શારીરિક ધારાધોરણો પણ આ ભરતી માટે મહત્ત્વના છે.
પુરૃષ ઉમેદવારો માટે ઓછામાં ઓછી ૧૬૫ સેમી ઊંચાઈ, ૫૦ કિલો વજન અને છાતીનું માપ ફુલાવ્યા વગર
૭૯ સે.મી. અને ફુલાવ્યા બાદ ૮૪ સેમી હોવું જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ઊંચાઈમાં ૧૬૨ સેમી
માન્ય ગણવામાં આવે છે.
મહિલા ઉમેદવારો માટે ઓછામાં ઓછું ૪૦ કિલો વજન અને ઊંચાઈમાં અનુસૂચિત જનજાતિ માટે ઓછામાં ઓછી
૧૫૦ સેમી ઊંચાઈ અને અન્ય માટે ૧૫૫ સેમી ઊંચાઈ હોવી જોઈએ.
પસંદગીની પ્રક્રિયા
આ પદ માટે સૌથી પહેલા ૧૦૦ ગુણની પરીક્ષાનું આયોજન થશે. જે હેતુલક્ષી પરીક્ષા હશે. તેમાં સામાન્યજ્ઞાાન,
વર્તમાનપ્રવાહો, કમ્પ્યુટર, મનોવિજ્ઞાાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મેન્ટલએબિલિટી, વિજ્ઞાન, ભારતનું બંધારણ,
ઇન્ડિયન પીનલકોડ, ક્રિમિનલ પ્રોસિજરકોડ,
ઇન્ડિયન એવિડન્સ એક્ટ વગેરેને લગતા પ્રશ્નો પૂછશે ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રત્યેક પ્રશ્ન ૧ ગુણનો હશે.
ખોટા ઉત્તર માટે ૦.૨૫ નેગેટિવ માર્ક રહેશે. એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં ઓછામાં ઓછા
૪૦ ગુણ લાવવાના રહેશે. જગ્યા કરતા ૮ ગણા લોકોને શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે.
શારીરિક ક્ષમતા કસોટીમાં પુરૃષ ઉમેદવારોએ મહત્તમ ૨૫ મિનિટમાં ૫૦૦૦ મીટર દોડ, મહિલા ઉમેદવારોએ વધુમાં
વધુ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં ૧૬૦૦ મીટર દોડવાનું રહેશે. જેમાં મેળવેલ ગુણ લેખિત પરીક્ષાના ગુણમાં ઉમેરવામાં આવશે.
બેઠકો કરતા ૨ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
અધ્યયન - હિરેન દવે
Courtsey: Gujarat Samachar/Hiren Dave
===============================================================================================