Bhadrambhadra By: Ramanbhai Neelkanth
ભદ્રંભદ્ર ( પ્રશિષ્ટ ગુજરાતી હાસ્યનવલકથા )
(રમણભાઈ નીલકંઠ)
મેજિસ્ટ્રેટે પૂછ્યું : 'તમારું નામ શું?'
'વિદ્યમાન ભદ્રંભદ્ર.'
'તમારું નામ વિદ્યમાન અને તમારાં બાપનું નામ ભદ્રંભદ્ર? પણ હું ધારું છું કે તમારું પોતાનું નામ જ ભદ્રંભદ્ર લખાયેલું છે. ખરું શું છે?'
'મારું નામ ભદ્રંભદ્ર છે. પણ હું જીવું છું માટે શાસ્ત્રાધારે પોતાને વિદ્યમાન કહું છું.'
મેજિસ્ટ્રેટ ભદ્રંભદ્ર સામું તાકીને જોઈ રહ્યાં. થોડી વાર પછી તેમણે પૂછ્યું, 'બાપનું નામ શું?'
'પ્રશ્નસ્ય અનૌચિત્યમ્.'
'પરશોત્તમ?'
અમારાં વકીલે ભદ્રંભદ્રને સીધા જવાબ આપવાની શિખામણ દીધી તેથી તેમણે આખરે બાપનું નામ 'અવિદ્યમાન વિષ્ણુશંકર લખાવ્યું.'
'ધંધો શો કરો છો?'
'સનતાન આર્યધર્મનાં સદોદિત યશઃપૂર્ણ વિજયનો.'
અમારાં વકીલ ઉઠીને મેજિસ્ટ્રેટને કહ્યું, 'મારો અસીલ પોતાની વિરૃદ્ધ ખોટાં પુરાવાથી ઉશ્કેરાયેલો છે ને સ્વભાવે પણ જરા ઉગ્ર છે. તેનાં કહેવાનો અર્થ એ છે કે ધંધો ધર્મ વિષે ભાષણ કરવાનો છે.'
|