Dadima Nu Vaidu by Vaidraj Mohanlal Dhami
દાદીમાનું વૈદું (Ayurvedic Remedies for Common Diseases)
લેખક : વેદરાજ મોહનલાલ ચુનીલાલ ધામી /ડાહ્યાભાઈ રામચંદ્ર મેહતા
ભારતના ખ્યાતનામ વૈદોના વર્ષો જૂના ચિકિત્સાના અનુભવોના નિચોડરૂપે તૈયાર કરેલા, કાયમી ઉપયોગી એવા 1500 થી વધુ ઔષધયોગના અનુભવસિદ્ધ પ્રયોગોનું અમૂલ્ય પુસ્તક
દાદીમાનું વૈદું એ માત્ર રોગ મટાડવા માટે અપાતી દેશી દવાઓની જ વાત નથી. તે વાતોમાં એક એવી જીવનશૈલી વણાઇ છે જે કુદરત સાથે સામંજસ્ય ધરાવે છે. ‘દાદીમાનું વૈદું, ડોશી વૈદું કે દેશી નુસખાઓ એ લોકવિદ્યાનો ભાગ છે. લોકોના સ્વાસ્થ્ય વિષયક નુસખાઓ અને અનુભવોનું આ જ્ઞાન પરંપરાગત રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઊતરી આવ્યું છે. આ જ્ઞાન આયુર્વેદ કે પ્રકૃતિચિકિત્સા જેટલું વ્યવસ્થિત નથી, પણ સદીઓના અનુભવ પર આધારિત હોવાથી સચોટ જરૂર છે. અમારા દાદીમા જ્યારે કોઇ પૌત્રપૌત્રીને પેટ દુ:ખતું હોય, વાગવાથી લોહી નીકળતું હોય કે કરમિયા થયા હોય ત્યારે કોઇ પ્રસ્તુત કહેવત કહેતાં અને મહદંશે પોતાના રસોઇઘરની કોઇ ચીજનો ઉપયોગ દવા તરીકે કરતાં. અમને લાગતું કે અમારાં દાદીમા કેટલાં વિદ્વાન છે, પછી ખબર પડી કે લગભગ બધી વૃદ્ધ સ્ત્રીઓ તેઓ જે પરંપરામાં ઊછરી છે તેના ભાગરૂપે, અને મોટે ભાગે કહેવતો અને ટૂચકાઓ થકી આ જ્ઞાન ધરાવે છે. આ બધી વૃદ્ધ મહિલાઓ અભણ જરૂર હતી, પરંતુ અજ્ઞાન નહોતી. સ્વાસ્થ્ય માટે તત્કાલ જરૂરી એવું જ્ઞાન આ વૃદ્ધ મહિલાઓ ધરાવતી હતી. નાનાવિધ ઘાવ, ગડગૂમડ, પેટમાં દુ:ખવું, માથું દુ:ખવું, મોળ ચડવી વ. રોજિંદા જીવનમાં થતાં નાનાવિધ દદોઁના ઉપાયો ઘરમાં અને આંગણામાં રહેતા. આનો અર્થ એવો હરગિજ નથી થતો કે દાદીમાનું વૈદું એ ડોક્ટર કે વૈદ્યનો અને તેમના આયુર્વેદ કે એલોપથીના જ્ઞાનનો વિકલ્પ છે. એવાં ઘણાં દદોઁ હતાં અને છે કે જેના ઉપાયો દાદીમા પાસે નથી. આથી દાદીમાના વૈદાને પ્રાથમિક સારવાર ગણીએ તે યોગ્ય રહેશે.
|