Prashnopnishad (Gurjar)
પ્રશ્નોપનિષદ
મૃદુલા મારફતિયા
પ્રશ્ન ઉપનિષદ અથર્વવેદમાં સમાયેલું છે. આથર્વણિક બ્રાહ્મણ ગ્રંથોની પિપ્પલાદ નામની શાખામાં આ ઉપનિષદનો પાઠ થાય છે. છ શિષ્યો દ્વારા પુછાયેલા છ વિશિષ્ટ પ્રશ્નો અને તેવા જ તેના વિશિષ્ટ ઉત્તરોના સંકલન રૂપે આ ઉપનિષદ રજૂ થયું છે. આથી આ ઉપનિષદને 'પ્રશ્ન ઉપનિષદ' એવા નામે ઓળખવામાં આવે છે.
‘शरीरम् आद्यं खलु घर्मसाघनम्।’
આ મનુષ્ય શરીર તો ધર્મનું પહેલું અગત્યનું સાધન છે. એટલે એની જાળવણી થવી જોઈએ. એ વાત આપણાં શાસ્ત્રોમાં ખૂબ સ્પષ્ટ પણે સ્વીકારાઈ છે. આ પ્રશ્ન ઉપનિષદ્ તેનો ઉત્તમ દાખલો છે. નાશવંત શરીરનો ઉપયોગ કરી અવિનાશી ફળ લઈ લેવાની કરામત અહીં શીખવા મળે છે. શરીરને કેવળ લૌકિક સુખોપભોગના સાધન તરીકે જ નહીં, પરંતુ મોક્ષના સાધન તરીકે જોવાની આધ્યાત્મિક દૃષ્ટિ આ ઉપનિષદમાંથી કેળવાય છે. આવો તેનો પરિચય મેળવીએ.
પરિચય
પ્રશ્ન ઉપનિષદ અથર્વવેદમાં સમાયેલું છે. આથર્વણિક બ્રાહ્મણ ગ્રંથોની પિપ્પલાદ નામની શાખામાં આ ઉપનિષદનો પાઠ થાય છે. છ શિષ્યો દ્વારા પુછાયેલા છ વિશિષ્ટ પ્રશ્નો અને તેવા જ તેના વિશિષ્ટ ઉત્તરોના સંકલન રૂપે આ ઉપનિષદ રજૂ થયું છે. આથી આ ઉપનિષદને 'પ્રશ્ન ઉપનિષદ' એવા નામે ઓળખવામાં આવે છે.
આખ્યાયિકા
સુકેશા નામનો ભરદ્વાજ મુનિનો પુત્ર, સત્યકામ નામનો શિબિ ૠષિનો પુત્ર, સૌત્રાયણી નામનો ગર્ગ મુનિનો પુત્ર, કૌશલ્ય નામનો ૠષિ અશ્વલાયનનો પુત્ર, ભાર્ગવ નામનો મુનિ વિદર્ભનો પુત્ર તથા કબન્ધી નામનો ૠષિ કત્યનો પુત્ર, આમ છ ૠષિ-કુમારોએ પિપ્પલાદ નામના મહર્ષિ પાસે તત્ત્વજિજ્ઞાસુ થઈને શિષ્યત્વ સ્વીકાર્યું. આ શિષ્યો સાધારણ કક્ષાના ન હતા. તેમની વિશેષતા જણાવતા અહીં કહ્યું કે, ‘ब्रह्मपरा ब्रह्मनिष्ठाः परं ब्रह्मान्वेषमाणाः’ (પ્રશ્ન ઉપનિષદ-૧/૧) બ્રહ્મપરાયણ રહીને, બ્રાહ્મીસ્થિતિને પામીને પરબ્રહ્મને શોધવા, પામવા કહેતાં બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ઉપાસના કરવા મથી રહેલા આ શિષ્યો હતા. મહર્ષિ પિપ્પલાદજીએ તેઓને સ્વીકાર્યા. પરંતુ યોગ્યતા વગર તત્ત્વજ્ઞાનનો ઉપદેશ શ્રોતાઓ ગ્રહણ ન કરી શકે તે વાતને મહર્ષિ પિપ્પલાદ સારી રીતે જાણતા હતા. તેથી તેમણે આ છ જિજ્ઞાસુઓને જ્ઞાનધારણમાં સક્ષમ બનાવવા માટે કહ્યું, હે શિષ્યો! સૌપ્રથમ તો આપ સૌ, ‘भूय एव तपसा ब्रह्मचर्येण श्रद्धया संवत्सरं संवत्स्यथ।’(પ્રશ્ન ઉપનિષદ-૧/૨) એક વર્ષ સુધી તપ, બ્રહ્મચર્ય તથા શ્રદ્ધાનું પાલન કરતા આ આશ્રમમાં રહો જેથી આપનું અંતઃકરણ નિર્મળ થાય. ત્યાર પછી જે પૂછવું હોય તે પૂછજો. જો મને તેના ઉત્તર આવડતા હશે તો અવશ્ય જણાવીશ.
મહાજ્ઞાની થકી નિરભિમાનિતાનો પ્રથમ પાઠ શીખતા છ શિષ્યોએ તપ, બ્રહ્મચર્ય અને શ્રદ્ધાની સાધના સ્વીકારી.
પ્રથમ પ્રશ્ન
ગુરુની આજ્ઞા પ્રમાણે સાધના સાથે એક વર્ષ પૂર્ણ થયું. હવે છએ શિષ્યોને પ્રશ્ન પૂછવાનો અધિકાર હતો. તેથી તે છમાંના એક કબન્ધી નામના શિષ્યે પ્રથમ પ્રશ્ન પૂછ્યો, ‘भगवन्! कुतो ह वा इमाः प्रजाः प्रजायन्त इति’(પ્રશ્ન ઉપનિષદ-૧/૩) प्रजायन्ते इति प्रजाः જે જન્મે તેને પ્રજા કહેવાય. પ્રાણધારીઓના શરીરો જન્મે છે. તે શરીરોને ઉપલક્ષીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, હે ગુરુદેવ! આ શરીરનો નિર્માતા કોણ છે? ત્યારે મહર્ષિ પિપ્પલાદે આનો સીધો અને નિશ્ચિત ઉત્તર આપ્યો - ‘प्रजाकामो वै प्रजापतिः’(પ્રશ્ન ઉપનિષદ-૧/૪) એ તો સકળ પ્રજાના પતિ, અધિપતિ, નિયામક એવા પરમાત્મા પોતે જ છે. પરમાત્માએ ઇચ્છા કરી તેથી જ બધી પ્રજા કહેતાં આ બધાં શરીરો ઉત્પન્ન થયાં છે.
પરમાત્માએ આ શરીરોની રચના કરી. જે રચ્યું તેનું પાલન પોષણ પણ તેઓ જ કરે છે તે વાત સમજાવતાં પિપ્પલાદજીએ કહ્યું, 'વત્સ! આ દયાળુ પરમાત્માએ જ ઉત્પન્ન થયેલાં આપણાં શરીરોને પોષવા સૂર્ય-ચંદ્ર જેવી ઉપયોગી વસ્તુઓ નિર્માણ કરી છે. સૂર્ય અને ચંદ્ર દ્વારા ઔષધિ-વનસ્પતિઓ પોષાય, તે આપણે જમીએ એટલે આપણાં શરીરો પોષાય. આમ સર્જનહાર પરમાત્મા આપણા પાલનહાર પણ છે. વળી, એ જ પરમાત્મા દિવસ અને રાત્રિ, શુક્લ-પક્ષ અને કૃષ્ણપક્ષ, ઉત્તરાયણ અને દક્ષિણાયણ તથા સંવત્સર જેવા સમયવિભાજનો કરીને આપણી શરીરયાત્રાને આગળ ધપાવે છે.
આમ મહર્ષિએ પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપ્યો. શિષ્ય કબન્ધી પણ આ ઉત્તરથી સંતુષ્ટ થયા.
સાભાર :
લેખક
સાધુ ભદ્રેશદાસ (ન્યાયાચાર્ય, વેદાંતાચાર્ય) Ph.D., D.Litt.
|