Tamara Baalak Ni Shaikshanik Safalta By Vanraj Malvi
તમારા બાળકની શૈક્ષણિક સફળતા --વનરાજ માલવી
બાળકોના સફળ જીવન માટે તેઓનો શૈક્ષણિક પાયો મજબૂત બનાવવો જરૂરી છે, અને તે માટે જો યોજનાબદ્ધ પૂર્વતૈયારી કરવામાં આવે તો બાળકની ઉત્તરોત્તર પ્રગતિ થઇ શકે છે બાળકની શૈક્ષણિક સફળતાના કેટલાક અગત્યનાં પરિબળો પૈકી એક છે બાળકની સ્વપ્રતિમા. બાળકને પોતાના માટે કેવો અભિપ્રાય છે ? તે પોતાને કેવો માને છે ? કાબેલ, હોંશિયાર, સાધારણ, સામાન્ય, બિનઆવડતવાળો, કમઅક્કલ, અલબત્ત આવા અનેક વિશેષણો હોઈ શકે. એમાંના ક્યા વિશેષણોને લાયક તેણે પોતાને માની લીધો છે ? એ માન્યતા તેની શૈક્ષણિક સફળતા પર અસર કરનારું સૌથી અગત્યનું પરિબળ છે. આધુનિક મનોવિજ્ઞાનનો શિક્ષણ બાબતોનો એક અગત્યનો સિદ્ધાંત એ છે કે, બાળકને પોતાની શક્તિ કે આવડત વિશે જે ખ્યાલો રહે છે, તેને અનુરૂપ જ તે પોતાની શક્તિનો ઉપયોગ કરતો રહે છે. પોતાના વિશેનો અભિપ્રાય એટલે કે બાળકની સ્વપ્રતિમા. તેની શૈક્ષણિક સફળતામાં તે બહુ મહત્વનો મુદ્દો બની રહે છે.
|