Bhagvaan Parshuram By K.M.Munshi ( Novel)
‘ભગવાન પરશુરામ’ : એક નાયકપ્રધાન કથા
કનૈયાલાલ મુનશી
જમદગ્નિ-રેણુકાના પુત્ર રામ ભાર્ગવની કથા આલેખતી આ નવલકથા નાયકપ્રધાન કૃતિ છે. આખી નવલકથા રામની પાછળ ચાલી છે. નાયકનું પાત્ર એટલું તો તેજસ્વી અને પ્રચંડ છે કે આખી કથા દરમિયાન સતત એ જ દૃષ્ટિ સમક્ષ રહે છે. કથામાં નાયિકાનું સ્થાન પણ સાવ ગૌણ કક્ષાનું રહી ગયું છે. કથાના પૂર્વાર્ધમાં આખા પટમાં રામનું પાત્ર છે. લોમા અને અર્જુન એમાં થોડું ધ્યાન ખેંચે છે. સહેજ આગળ જતાં મૃગા ભૂમિપટ પર આવે છે. પરંતુ ઉત્તરાર્ધમાં અનેક પાત્રો ધ્યાન ખેંચનારાં છે. વસિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્નિ, રેણુકા, પરાશર, રૂક્ષ આદિ પાત્રો ધ્યાન ખેંચે છે.
જેમ ભારતીય સંસ્કૃતિના પ્રવાહમાં તેમ સાહિત્યના ઇતિહાસમાં પણ ભગવાન જામદગ્નેય એક અડિખમ વ્યક્તિત્વ લઈને ઊભા છે. એને નિરૂપતી આ મહાકથા ‘ભગવાન પરશુરામ’ – એના નાયકના ગૌરવને લીધે – ગુજરાતી નવલકથા–સાહિત્યમાં અનોખું સ્થાન લઈ શકી છે. અને તેના લેખક – શ્રીમુનશીને – અનોખું સ્થાન અપાવી ગઈ છે.
|