Rasbharya Kissao Business Ni Duniyana By Vanraj Malvi
રસભર્યા કિસ્સાઓ બિઝનેસની દુનિયાના -વનરાજ માલવી
આઈ.બી.એમ કંપનીના ટોચના એક અધિકારીએ કશીક ભૂલ કરી. તેથી કંપનીએ સાઠ હજાર ડૉલરનું નુકશાન ભોગવવું પડેલું હતું. એટલે તેના ચૅરમેનને કોઈકે પૂછ્યું : ‘તો તમે એને કંપનીમાંથી બરતરફ કરશો ?’વૉટસને જવાબ આપ્યો : ‘ના, મેં તેને ગફલત દ્વારા શીખવા માટે ને કીમતી અનુભવ લેવા સારુ 60,000 ડૉલર હમણાં જ ખરચ્યા છે. તો એના એ અનુભવનો લાભ હું બીજી કંપનીને શા માટે લેવા દઉં ?’
અમેરિકામાં બે ધરખમ કંપનીઓ તેઓ સમાનપણે પ્રકાશન પ્રવૃત્તિમાં લગભગ આગળ પાછળના સમયમાં દાખલ થયા. એમાંની એક કંપની હતી ટાઈમ ઈન્કોર્પોરેટેડ. તેમણે શરૂઆત કરી ટેકનિકલ વિષયના પ્રકાશનથી. તેમાં તેઓ ફાવ્યા નહિ. આખરે થયું કે લોકોને સમાચારમાં ખાસ્સો રસ પડે છે. એટલે વિશ્વભરના દેશોના સમાચારને આવરી લઈ તેને લગતું મેગેઝિન શરૂ કર્યું. અને તેમાં તેઓ ખૂબ ખૂબ સફળ નીવડ્યાં ને દુનિયાભરમાં જાણીતા થયા.તો બીજી કંપની હતી મૅકગ્રો હિલ – તેમણે જ્યાં ટાઈમ નિષ્ફળ નીવડેલું તે જ ક્ષેત્ર પકડ્યું. તેમણે વિશ્વના સમાચારોને આવરી લેતું સામાયિક શરૂ કર્યું. તેમાં તેઓ ફાવ્યા નહિ એટલે ટેકનિકલ વિષયોની માહિતીને આવરી લેતા મેગેઝિન શરૂ કર્યાં. અને સારી પેઠે સફળતા મેળવી ! કેવી નવાઈની વાત ! એ કંપની ગમે તે પગારથી ઉત્કૃષ્ટ શક્તિવાળા માણસોને નોકરીમાં રાખતા છતાં જ્યાં એક કંપની નિષ્ફળ ગઈ ત્યાં બીજીને સફળ થવામાં કોઈ તકલીફ ન પડી !
|