Rojindo Ayurved (Gujarati) By Vaidshri Shobhan
રોજિંદો આયુર્વેદ - વૈદશ્રી શોભન
આયુર્વેદની વિશિષ્ટતા
-
આયુર્વેદ રોગનું કેવળ ઉપર દેખાતું લક્ષણ દૂર કરીને રોગ મટાડ્યો એમ માનતો નથી.
આયુર્વેદની ચિકિત્સા શરીરમાંથી રોગનું કારણ દૂર કરી રોગને જડમૂળથી મટાડવાની છે. એથી આયુર્વેદ એ લક્ષણ-ચિકિત્સા નથી પણ કારણ-ચિકિત્સા છે.
-
આયુર્વેદ બંધારણના ભોગે રોગ દૂર કરવાની ચિકિત્સા બતાવતો નથી, પરંતુ બંધારણના રક્ષણ સાથે રોગને દૂર કરે છે.
-
આયુર્વેદ કેવળ રોગની ચિકિત્સા કરવામાં માનતો નથી, પણ રોગ અને રોગી બંનેની ચિકિત્સા કરવામાં માને છે.
-
આયુર્વેદ રોગને દાબી દેવામાં માનતો નથી, કિન્તુ તેનું સંશમન કરવામાં કે શોધન કરી બહાર કાઢવામાં માને છે.
-
આયુર્વેદ શરીરમાં ઝેર ઉત્પન્ન કરનારાં કે એક રોગ મટાડવા જતાં બીજા રોગને ઉત્પન્ન કરનારાં ઔષધોમાં માનતો નથી; પરંતુ તે શરીર તથા મનનું આરોગ્ય આપનારાં ચેતન-રસાયન-ઔષધોમાં માને છે.
-
આયુર્વેદ રોગોનું કારણ જીવાણુઓ છે તેમ માનતો નથી; પરંતુ ત્રણે દોષોની વિષમતા છે તેમ માને છે.
-
આયુર્વેદ માત્ર ઔષધોને જ માનતો નથી, પથ્યાપથ્યને પણ માને છે.
-
આયુર્વેદ કેવળ ભૌતિક ઉપભોગમાં માનતો નથી; તપમાં અને સંયમમાં પણ માને છે.
-
આયુર્વેદ કેવળ વજન વધારવામાં માનતો નથી; તે જઠરાગ્નિ, શક્તિ અને ઉત્સાહમાં પણ માને છે.
-
આયુર્વેદ માનવદેહને પ્રયોગશાળા માનતો નથી; ચેતનને વસવાનું મંદિર માને છે.
|