The Secret: Rahasya (Gujarati Translation)
Rahasya (Gujarati Translation)
The Secret રહસ્ય - રોન્ડા બર્ન
ટાઇમ' મેગેઝિનની નજરે વિશ્વની જે ૧૦૦ હસ્તીઓએ માનવ જગતના વિકાસની પ્રક્રિયામાં યોગદાન આપ્યુ છે તેમાં રહોન્ડા બાયર્નને પણ સ્થાન જેના પુસ્તકની ૪૦ ભાષાઓમાં ૨૦ લાખથી વધુ નકલો અને તેટલી જ ડીવીડી વેચાઇ ચૂકી છે
તમે પોતે જ અલાદ્દીન છો અને જીન પણ તમારો હૂકમ ઝીલવા તત્પર છે પણ ક્યારેય કોઈ ઇચ્છા કરી છે ખરી ?
તમારી પાસે પણ અલાદ્દીનનો જીન છે અને તે તમારા તાબા હેઠળ જ છે તે તમે જાણો છો ? આ જીન આપણી તમામ ઇચ્છાઓ પૂરી કરવા તત્પર છે. આથી જ તે બહાર નીકળતા જ તેના માલિકને નમ્રતાથી બે હાથ જોડીને કહે છે કે, ''તમારો હૂકમ તે જ મારૃ કાર્ય.'' તમને થશે કે આપણી પાસે જીન ? આપણી પણ તમામ ઇચ્છાઓ-સપનાઓ સાકાર થાય તે કઈ રીતે બને ? જી હા... આ સૃષ્ટિની અનોખી સિસ્ટમ જીન છે અને આપણા હૂકમો એટલે કે ઇચ્છાઓ પૂર્ણ કરવી તે તેનું કાર્ય છે. પણ મિત્રો, તમે ક્યારેય ખરા દિલથી તે કોઈ ઇચ્છા, ધ્યેય કે સ્વપ્ન આ બ્રહ્માંડમાં વહેતુ કર્યું છે ખરૃ ? એકવાર આ તીવ્ર ઇચ્છા કે ધ્યેય નક્કી કર્યા પછી સૃષ્ટિમાંથી તમારા અંતરાત્મામાં જે તરંગો જાગે તે પ્રમાણે ક્રમશઃ આગળ વધ્યા છો ખરા ? તમે ઇચ્છો તે સાકાર ના થાય તેવું બને જ નહીં.''
આ શબ્દો છે ૬૯ વર્ષીય ઓસ્ટ્રેલિયન લેખિકા રહોન્ડા બાયર્નના જેણે 'ધ સિક્રેટ' નામની ફિલ્મ અને તે પછી ઓન પબ્લિક ડિમાન્ડ આ જ નામથી એક પુસ્તક લખ્યું છે. 'ધ સિક્રેટ'માં તેણે આગવું તત્ત્વજ્ઞાાન અને બ્રહ્માંડ અને માનવ એક જ છે (દ્વૈત-અદ્વૈત) તેવું સંશોધન કરવા સાથે એ પૂરવાર કરવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે જે ઇચ્છીએ તે મેળવી શકીએ અને જેવા બનવા માંગીએ તેવા બની શકીએ. 'ધ સિક્રેટ' પુસ્તકની ૪૦ ભાષાઓમાં ૨૦ લાખથી વધુ નકલો અને ૨૫ લાખથી વધુ ડીવીડી બહાર પડી ચૂકી છે. ફિલ્મ અને પુસ્તકનો રૃા. ૧૮૦૦ કરોડથી વધુનો વિશ્વવ્યાપી વકરો થયો છે. ઓપ્રાહ વીનફ્રેના સૌથી વધુ દર્શકો મેળવનારા ટોકશોમાં રહોન્ડા બાયર્નના એપિસોડનો પણ સમાવેશ થાય છે.
જો કે રહોન્ડાના પુસ્તકમાં દમ છે તેવું તમારે માનવાનું બીજું એક કારણ એ છે કે ૨૦૦૭માં અમેરિકાના જગવિખ્યાત 'ટાઇમ' મેગેઝિને ૧૦૦ એવી હસ્તીઓની સૂચિ બતાવતાં અંક બહાર પાડયો હતો જેણે માનવ જગતની જીવન જીવવાની પદ્ધતિ અને વિચાર પ્રક્રિયામાં મહત્તમ પ્રભાવ પાડયો હોય, આ યાદીમાં ટેકનોક્રેટસ, શોધ-સંશોધકો, વિચારકો, કોર્પોરેટ જગત અને નેતાઓનો પણ સમાવેશ થયો હતો. 'ધ સિક્રેટ' આમ તો પશ્ચિમના વિશ્વમાં છેલ્લા સાત વર્ષથી ધૂમ મચાવે છે. પણ ભારત સહિત ચીન, કોરિયા જેવા એશિયાઈ તેમજ આફ્રિકી દેશોમાં ત્રણેક વર્ષથી મેટ્રોથી સ્મોલ ટાઉન સુધી પ્રસરતુ જાય છે.
'ધ સિક્રેટ' હિટ જતા તેણે તે પછી 'ધ પાવર' અને 'ધ મેજિક' જેવી બેસ્ટ સેલર સીક્વલ પણ આપી છે.
વિશ્વભરના મોટીયેશનલ કે મેનેજમેન્ટ ગુરુઓ જે અર્ધજાગ્રત મનની તાકાતની વાત માંડે છે કે તેના પર પુસ્તકો લખે છે તેનું મૂળ ગોત્ર રહોન્ડા બાયર્નની 'ધ સિક્રેટ' છે.
તમને થશે કે સ્વપ્ન સાકાર કરવા, ડેર ટુ ડ્રીમ, કર લો દુનિયાં મુઠ્ઠીમેં, ઊઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો તે હવે ભારતની નવી પેઢી માટે નવી વાત નથી. તો પછી 'ધ સિક્રેટ'ને આ હદે હારતોરા સાથે વધાવવામાં કેમ આવે છે.
તેનું કારણ છે કે રહોન્ડાએ પ્લેટો, ગેલિલિયો, એડિસન, કાર્નેગી, આઈનસ્ટાઈન, શેક્સપિયર, લીઓનાર્ડો, દ વીન્ચી, સોક્રેટીસ, પાયથાગોરસ, બીથોવન ન્યૂટન, વૉન ગોગ, વિક્ટર હ્યુગો જેવા જુદા જુદા ક્ષેત્રોના અગાઉની સદીના વિશ્વના ઘડવૈયાઓની મહાન સિદ્ધિઓ પાછળની સૂક્ષ્મ તાકાતને ખોજ કરતો અભ્યાસ કર્યો. તે પછી તેણે ૨૦મી, ૨૧મી સદીના અન્ય ટેકનોક્રેટ્સ, કોર્પોરેટ જાયન્ટ્સ સફળતાના શિલ્પીઓનો અને મહાન સંતો, ફિલસૂફો અને બૌદ્ધિકોનો, ખેલાડીઓનો આવો જ અભ્યાસ કર્યો.
માત્ર વિશ્વપ્રસિદ્ધ જ નહીં જેઓ ભલે વિશ્વ કે તેમના દેશમાં જાણીતા ના બન્યા હોય છતાં તેમની નોકરી, ધંધા કે સેવાના ક્ષેત્રમાં પણ આગવુ પ્રદાન કરીને તેમના વર્તુળોમાં આગવુ સ્થાન ધરાવતા હોય તેમની સફળતાનું રહસ્ય પામવાનો પણ આગવી રીતે અભ્યાસ કર્યો.
રહોન્ડાએ સફળતાની આગવી ચાવી વિશ્વને ભેટ ધરતા એવું તારણ કાઢ્યું કે, ''જેઓ નિષ્ફળ, હતાશ કે રગશીયા, જેવું જીવન વ્યતીત કરે છે તેમાના મોટાભાગના આવી સ્થિતિમાં છે તેને માટે તેઓ પોતે જ જવાબદાર છે. તેઓએ ક્યારેય આવક વધારવા, આનંદમાં રહેવા, કોઈ ચીજવસ્તુ, સંપત્તિ, સ્ફૂર્તિ, સ્વાસ્થ્ય વધારવા કે સૌંદર્ય મેળવવા કંઈ કર્યું જ નથી. તેઓએ સંબંધને વિસ્તારવા, તેમાં પ્રેમ-ઉમળકો ઉમેર્યો નથી. કંઇક નવું અનોખું પ્રદાન કરીને આ જીંદગીની વિદાય લેવાનું પણ તેઓનું સ્વપ્ન નથી. તેઓ કાં તો વર્ષોથી બંધિયાર છે. તેઓએ જીવનમાં વર્ષો જ ઉમેર્યા છે. વર્ષોમાં જીવન નથી ઉમેર્યું. કુટુંબ, સમાજ કે દેશની પરિસ્થિતિ પ્રમાણે જીવન વ્યતીત કરે છે. તેઓ રોમાંચ કે રોમાંસ નથી અનુભવી શકતા. મહદ્અંશે નકારાત્મક છે કે પછી દ્રષ્ટિ પર પડદો પાડીને જીવી જાય છે. નથી કોઇ સપના નથી કોઇ ધ્યેય નથી કંઇક કરવાની કે આપી જવાની ઉપલ્બધિની ભાવના. આવા લોકો પોતાના માટે પણ જીવી નથી શકતા. તેમને બ્રહ્માંડના, પ્રકૃતિના અને ઇશ્વરના નિયમોમાં શ્રદ્ધા નથી.''
તો બીજી તરફ રહોન્ડા કહે છે કે માત્ર જુદા જુદા ક્ષેત્રોની વિશ્વખ્યાત હસ્તીઓ કે નામી-અનામી કરોડો લોકો એવા પણ છે જેઓ આ પૃથ્વી પર આવવાને સાર્થક કરવાની તક ઝડપવા પ્રયત્નશીલ રહે છે.
વિશ્વમાં જે પણ શોધ-સંશોધન, સેવા, મનોરંજન, વ્યાપાર, ઉદ્યોગ, ખેલાડી, સર્જન, સુરક્ષા વ્યવસ્થા અને પ્રગતિ છે તે સ્વપ્નસેવીઓને આભારી છે. માત્ર ભૌતિક સ્તરે જ નહીં રહોન્ડા એ વાત પર પણ ભાર મૂકે છે કે તમામ ધર્મો અને સંસ્કૃતિ તત્વવિજ્ઞાાન અને ઉત્ક્રાંતિ પણ આવી વિરલ પ્રસિદ્ધ સંતો, મહાત્મા, વિચારકો, સમાજસુધારકોને લીધે જ શક્ય બની છે. તેઓએ 'બહુજન હિતાય'નું સ્વપ્ન સેવ્યુ ના હોત તો ? ઝેરના પારખા કરતા કેવા સામા પ્રવાહે તરીને તેઓએ સામાજિક, આધ્યાત્મિક અને માનવ માટે પહેલ કરી છે. આ ખરેખર તો તેઓનું સ્વપ્ન હતું.
રહોન્ડા દ્રઢપણે પૂરવાર કરે છે કે જેઓ સિદ્ધ છે, સફળ છે, સુખી છે, તંદુરસ્ત છે, પ્રસન્ન વ્યક્તિત્વના માલિક છે, ધનવાન છે, તેઓ જન્મજાત નથી. તમે પણ તમારા અંતરાત્મામાં શું બનવા માંગો છો કે બની શકો છો તેનું માત્ર સ્વપ્ન જ સેવી જુઓ. હા, તેની પ્રબળતા અને મેળવવા માટે જે પણ માર્ગ સર્જાય બીજી રીતે કહીએ કે તે પછી જે દરવાજો ખુલે તેમાં પુરી નિષ્ઠા સાથે પુરુષાર્થ કરતા આગળ જવાનું છે. હા....બુદ્ધિ કરતાં અગમ શક્તિ પ્રેરે તેમ આગળ વધશો તે લાભકર્તા છે...
રહોન્ડાની 'ધ સિક્રેટ' થિયરી સમજીએ કોઇ પણ ઇચ્છા કરો તે સાથે જ તે સૂક્ષ્મ સ્વરૃપે બ્રહ્માંડમાં ફરવા માંડશે. તમે લોહચુંબક છો. તે ઇચ્છાની પૂર્તિ કઈ રીતે કરવી તે હવે તમારી ચિંતા નથી પણ બ્રહ્માંડની અગમ વ્યવસ્થા તેને સંભાળી લેશે. તો બીજી તરફ તમારું અર્ધજાગૃત મન પણ ધ્યેય પ્રાપ્તિ માટે ઉજાગરા કરવા માંડશે. હવે તમને તમારા લક્ષ્ય તરફ દોરવા માટે સંકેતો મળશે. આમાં નકારાત્મક-ભયજનક-અનૈતિક વિકલ્પો પણ માનસપટ પર ઝીલાશે. તમે પોતે ચોંકી જશો કે તમે આટલા નિમ્નસ્તરે ધ્યેયપૂર્તિ માટે વિચારી શકો ખરા ? પણ તમારામાં હકારાત્મકતા, અને મહત્તમ સંસ્કારિતા હશે તો તેવા રોડ મેપ પણ તૈયાર થતો જશે.
ઉદાહરણ તરીકે ભૌતિક રીતે જોઈએ તો.
ધારો કે તમારે કારના માલિક બનવું છે. તો પહેલાં તો ઇચ્છા કરવી પડે. સાવ શેખચલ્લી જેવી નહીં. (જોકે રહોન્ડા બાયર્ન તો એવો આડકતરો ઈશારો પણ કરે છે કે તરંગી ઇચ્છા રાખો તો પણ તે તમારે પગે સાકાર થતી આવીને પડે.) એક વખત ઇચ્છા થાય તે સાથે જ તમને સંકેત મળશે કે એમ કંઇ બેઠા બેઠા કારની ચાવી કોઇ નહીં આપી જાય. જો તમે નોકરી કરતા હો તો એવું કામ કરવા માંડો કે તમારી કદર થાય. જો તમે વ્યવસાય કરતા હો તો તમારી પ્રેક્ટિસ અને ગ્રાહકો કેમ વધે અને આવકનો ગુણાકાર થાય તે પુરૃષાર્થ તમને દોરવશે. કોઈ સ્પર્ધા હોય કે જેના ઇનામમાં રોકડ રકમ કે કાર હોય તેમાં તમે ભાગ લેવા માંડશો. તમે નોકરી-ધંધા ઉપરાંત અન્ય આર્થિક ઉત્પાર્જન માટેની પ્રવૃત્તિ કરશો. તમારી પત્ની અને તમારા સંતાનોને તમારા સ્વપ્નમાં આર્થિક સહભાગી થવા પ્રેરિત કરશો. તમારી બચતનો હાલ કાર લેવા ઉપયોગ કરીએ અને આગળ જતા બચત ફરી કરી લઈશું તેમ આયોજન કરશો. બેંકની લોનનો અભ્યાસ કરવા માંડશો. તમારી અંદર કોઇ કલા, સંગીત કે સર્જકતા હશે તો હવે તેની કૃતિ, આઇટમનું વેચાણ કે શો કરશો. તમારી આત્મશ્રદ્ધા અને જે પણ સંકેતો, વિકલ્પો લોહચુંબક પર ચોંટે તેમાંથી તમે એક કે એક સાથે વધુને અપનાવી કારના માલિક બનીને જ જંપશો. તમે નહીં પણ કાર તમને તેના માલિક બનાવ્યા વગર નહીં છોડે. હા, એ તો માનવું જ પડે કે કારનું સ્વપ્ન જ ના સેવ્યું હોત તો આમાંનો એક પણ વિકલ્પ કે પુરૃષાર્થ તમારી સામે આવીને ના ઉભો હોત.
તમે ઘરના માલિક બનવાનું વિચારો તે સાથે જ તેને મેળવવાનો દુનિયાનું સર્જન ખડુ થતું જશે. હા, સ્વપ્ન એટલું પ્રબળ અને જીજીવિષા જેવું હોવું જોઇએ કે તમે પુરુષાર્થ કરવા તૈયાર હો, તમારી આત્મશ્રદ્ધા હોવી જ જોઈએ પછી તેમાં શુભનિષ્ઠા ઉમેરો. રહોન્ડા જે વાત કરે છે તે આમ તો આપણા સંતોએ આધ્યાત્મિક રીતે કહી જ છે. જેમ કે નરસિંહ મહેતાની શ્રદ્ધા જાણીતી છે. શ્રીરંગ અવધૂત મહારાજ કહેતા કે ''તમે બાળક બનીને ઇશ્વરને, કુદરતને સમર્પીત થઈ જાવ. ઠંડી લાગે ત્યારે બાળક રડતું હોય છે. તેને ખબર નથી હોતી કે ગરમ કપડું ઓઢવાથી ઠંડીની અસર ઘટી જશે. પણ, તેની માતા તેને કપડુ ઓઢાવશે, ભૂખ લાગે ત્યારે તે તો માત્ર રડી જ શકે છે. પણ માતા તેને દૂધ આપશે.''
આ જ રીતે તમે ઇચ્છા સેવો અને જુઓ કેવા દ્વાર ખુલતા જાય છે.
એક ચોટદાર ઉદાહરણ આપતા રહોન્ડા જણાવે છે કે ''તમે માની લો કે એક શહેરથી બીજા શહેરમાં અંધારી રાત્રે હાઇ-વે પર કાર હંકારીને જતા હો ત્યારે સમગ્ર રસ્તે તો અંધકાર છે તેમ માનીને અટકી નથી જતા . તમારો માર્ગ તો કાર તેની આગળની લાઇટમાંથી જે અંદાજે ૨૦૦ ફૂટનો પ્રકાશ પથ પાથરે છે તે જ હોય છે. તેનાથી આગળ તો તમે જોઈ ના શકો તેવું ભેંકાર વાતાવરણ અને અંધકાર જ હોય છે. તમે તે અંધકારમાં ક્ષણિક લાઇટ બંધ કરી જોશો તો લાગશે કે આ મુસાફરી કઈ રીતે થઈ શકે. પણ સતત ચાલતી કાર આગળ ધપતા ૨૦૦ ફૂટનો નવો પ્રકાશપથ પાથરે છે અને તમે આગળ ધપતા મંઝીલ સુધી પહોંચો છો.''
તમે ઇચ્છા સેવો પછી આ જ રીતે સમગ્ર વિકટ લાગતી મંઝીલે પહોંચવાનો સતત પથ કે દ્વાર નજર સામે આપતા જશે.
તમે અંતરના આત્માને પૂછીને જે તમને ગમે છે તેવું લક્ષ્ય નિર્ધારિત કર્યું હોઈ તેના પૂરુષાર્થ માટે પણ એ હદે કંટાળો કે થાક નહીં લાગે. કેમ કે તમે જ તે કારકિર્દી સ્વપ્ન કે ધ્યેયને પસંદ કર્યું છે. એક જ માર્ગે જતા મુસાફરો પૈકી જેઓ કોઈ કાર્યને કંટાળો, મજૂર કે પ્રેરક વગરનું લાદી દેવાયું હોય તેમ માને છે તેને નદીમાં સામે પ્રવાહે તરવા જેવું તે લાગશે પણ જેનું તે સ્વપ્ન હશે તે પ્રવાહ સાથે જાણે નદીમાં મજ્જેથી પાંદડું જ્યાં લઈ જાય ત્યાં જવામાં 'એફોર્ટલેશ ડ્રિફટ' થતું હોય તેમ આગળ ધપશે.
''કથિરમાંથી કંચન'' - રેગ્સ ટુ રીચિસની હસ્તીઓએ ગજા બહારના લાગે તેવા સ્વપ્નો સેવ્યા ત્યારે દુનિયા તેઓને પાગલ માનતી હતી પણ પ્રકૃતિની તે સ્વપ્ન સિદ્ધ કરવાની જવાબદારી બની ગઈ. દિવસ-રાત તેઓની મનોસૃષ્ટિમાં તેઓ કોઈ મોટી હસ્તી હોય તેવા દ્રશ્યની, તેવી ઓફિસની તેવા જ તેમના હાથ હેઠળના સ્ટાફ-પ્લાન્ટની તસવીર ચીપકાવીને બેઠા હતા. રહોન્ડા તો એમ પણ લખે છે કે તમે જે સ્વપ્ન સેવતા હો તેનું ચિત્ર કે તેવી તસવીરો તમારા ટેબલ પર ચીપકાવીને હરહંમેશ નજર સામે રાખો. હાયર સેકન્ડરી બોર્ડની ટોપર વિદ્યાર્થીનીએ અગાઉના વર્ષના ટોપર વિદ્યાર્થીના ફોટાની જગાએ તે અખબારમાં તેનો ફોટો ચીપકાવીને ટેબલ સામે રાખ્યો હતો. આ હતુ તેની સફળતાનું સિક્રેટ. રહોન્ડાએ આથી જ 'વિઝયુલાઇઝેશન' ટેકનીક પર પણ ભાર મૂક્યો છે.
માત્ર ભૌતિક રીતે જ નહીં, તમે તમારૃં સ્વાસ્થ્ય, બોડી ફિગર, સૌંદર્ય, વજન, સંબંધો, આધ્યાત્મિક પ્રગતી કે કોઈ રોગમાંથી મુક્તિ કે પછી પીડાની માત્રા 'ફિલ ગુડ'ની ફિલિંગ્સ સતત વહેતી રાખીને ઘટાડી શકો છો.
જેમ રોપાયેલા બીજને માત્ર ખાતર અને વાતાવરણ પૂરૃં પાડે તો તેને વટવૃક્ષ બનાવવાની જવાબદારી કુદરત ઉપાડી લે છે. ફળો પણ ધારણ થાય જ છે. પશુ-પંખીને કોણ સુરક્ષા આપે છે ? તેઓની વૃદ્ધિ કોણ કરે છે ? તો આપણે પણ વધુ પડતી બુદ્ધિનો ઉપયોગ કરીને પ્રકૃતિનો હિસ્સો જ છીએ છતાં અપ્રાકૃત બનીને સહન કરતા હોઈએ છીએ.
તો 'ધ સિક્રેટ'ની ફોર્મ્યુલા જાણી લો. સ્ટેપ વન ઃ ઇચ્છા કે સ્વપ્ન .... યાદી બનાવો, સ્ટેપ ટુ ઃ ઓર્ડર આપ્યા પછી ડિલીવરી આપવી જ હોય છે તેવી આત્મશ્રદ્ધા કેળવો, સ્ટોપ થ્રી ઃ ધ્યેય સિદ્ધિ માટેના જે પ્રેરણાત્મક સુચનો, સંકેતો મળે તેનું ચિંતન કરો, સ્ટેપ ફોર ઃ તે પ્રમાણે પુરૃષાર્થ કરો. સ્ટેપ ફાઇવ ઃ તમને મદદ મળતી જ જશે. કોઇને મદદ માટે કહી પણ શકો. સ્ટેપ સિક્સ ઃ તમે ઇચ્છા સેવો પછી તમે કલ્પના પણ નહીં કરી હોય તેવા સંજોગો, મદદ, સહકારનું વાતાવરણ સર્જાશે. તમને ચમત્કાર લાગે તેવું પણ બનશે.....અને માની લો કે તમને ધાર્યું ફળ ના મળે તો પણ તમે તે પ્રક્રિયામાંથી ઘણું મેળવ્યું હશે. ઘણી વખત મુકામે પહોંચવા કરતા યાત્રા જ યાદગાર હોય છે ને?
* વાવશો તો લણશો ને ?
|