Yugvandana (Poems In Gujarati) By Zaverchand Meghani
યુગવંદના (૧૯૩૫) :
કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર ‘યુગવંદના’ (૧૯૩૫)
ઝવેરચંદ મેઘાણી
સોરઠી લોકગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ. અહીં કવિકર્મમાં બાઉલ ગીતકારો અને પછી સૌરાષ્ટ્રના ભાટ-ચારણો, બારોટો, ભજનિકો, ખારવાઓના સૂરના સંસ્કારો ગૂંથાયેલા છે તો સાથે સાથે ગાંધીવાદ-સમાજવાદથી પ્રેરિત યુગસંવેદનો પણ ઝિલાયેલાં છે. લોકગીતો, લોકસૂરો અને લોકઢાળોએ મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને વિપુલ રીતે વેગ આપ્યો છે. એમની રચનાઓ પાછળ લોકસંગની વ્યાપક એષણા પડેલી છે. એમાં પત્રકારત્વની શીઘ્રતા અને સમયના તકાજાનો સમન્વય પણ જોઈ શકાય છે. તત્કાલીનતા, ઐતિહાસિકતા, પ્રસંગાનુરૂપતા મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘યુગવંદના’, ‘પીડિતદર્શન’, ‘કથાગીતો’, ‘આત્મસંવેદન’, ‘પ્રેમલહરીઓ’- એમ કુલ પાંચ ખંડમાં વહેંચાયેલો આ સંગ્રહ ‘છેલ્લો કટોરો’, ‘કસુંબીનો રંગ’, ‘સૂના સમદરની પાળે’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘સૂના સમદરની પાળે’માં લોકગીતનો લય સર્જકકક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે. આ ઉપરાંત રવીન્દ્રનાથની અને દ્વિજેન્દ્રનાથની કૃતિઓના તેમ જ અંગ્રેજી કૃતિઓના રોચક અનુવાદો પણ અહીં છે. ‘કોઈનો લાડકવાયો’ ઉત્તમ અનુવાદનું ઉદાહરણ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
|