Chromosome XY (Gujarati Book) By Nimit Oza
આ એક લવસ્ટોરી છે. તમે ક્યારેય વાંચી ન હોય કે ક્યારેય સાંભળી ન હોય એવી એક લવસ્ટોરી. અહીં પુરુષપણાના સીમાડાઓ ઓળંગીને પુરુષ પોતાની જાતને જ સ્વર્ગની સફર કરાવે છે. આ કાલ્પનિક કથા હોઈ શકે પરંતુ આ કલ્પનો પુરુષજાતને એક એવા સ્તર સુધી લઈ જાય છે જ્યાંથી પાછા ફરવાનું કોઈપણ પુરુષને સ્વીકાર્ય ન જ હોય. ક
હેવાય છે કે આ જગતની સર્વોચ્ચ પીડા, એ પ્રસૂતિ પીડા છે. પરંતુ એ સર્જનાત્મક પીડા પણ છે. એ પીડાના અંતે જ પ્રાણી જગતની દરેક માદા એક ચમત્કાર સર્જી શકે છે. એક નવા જીવને અવતરણ આપવાનો ચમત્કાર. સ્ત્રીએ સર્જન કરેલો પોતાનો જ એક અંશ, જેની સામે દુનિયાની દરેક પીડા વામણી લાગવા જ માંડે. પ્રસૂતિ પીડા જેટલી જ બળવત્તર અને સમાંતર એક બીજી પીડા છે. એ છે કશું પણ સર્જન ન કરી શકવાની પીડા અને એ જ પીડામાંથી આ કથાએ જન્મ લીધો છે.
દરેક વ્યક્તિ ચમત્કાર કરી શકવાનું સામર્થ્ય નથી ધરાવતી. પોતાના સમગ્ર જીવન દરમિયાન દુનિયાને કશું પણ નવું ન આપી શક્યાનો રંજ અને અફસોસ, એ દરેક વ્યક્તિને થતો જ હશે જે કશું પણ સર્જવામાં નિષ્ફળ રહી છે. પુરુષ બધું જ કરી શકે છે, એક બાળકને જન્મ આપ્યા સિવાય. અસર્જનની આ વાસ્તવિક્તા પુરુષને સતત પ્રતિત કરાવે છે કે આ દુનિયા પરનું શ્રેષ્ઠ સર્જન કરી શકવાનો અવસર, આનંદ અને શ્રેય આજીવન તેના ભાગ્યમાં જ નથી. આ નવલકથા એક પ્રયાસ છે. અત્યાર સુધી વાંઝણી રહેલી ઇચ્છાઓને કલ્પનાઓના હળથી ખેડીને ફળદ્રુપ કરવાનો પ્રયાસ. આજ સુધી ક્યારેય પણ જન્મી ન શકેલી શક્યતાઓને સગર્ભા કરવાનો પ્રયાસ. આ બૌદ્ધિક ઉત્તેજનાનો અતિરેક છે કે સાહસ, એ તો સમજ જ કહેશે પરંતુ આ કથા – એ દરેક પુરુષ-સ્ત્રીને સમર્પિત છે જેઓ સર્જન કરી શકવાનું મહત્ત્વ જાણે છે. આ કથા દ્વારા ભવિષ્યમાં ક્યારેય પણ જો વાસ્તવિક્તાનું એકાદ બારણું પણ ખૂલશે, તો એ પળ સમગ્ર પુરુષજાત માટે ધન્ય ક્ષણ હશે.
|