Gujaratno Naath (Novel)
પ્રચંડ દેશદાઝની કથા : ગુજરાતનો નાથ
ક.મા. મુનશી
સ્વ. ક.મા. મુનશીની 'પાટણની પ્રભુતા' (1916) ગુજરાતની અસ્મિતા, ગૌરવ, વતનપરસ્તીની કથા છે તો તેના અનુસંધાનમાં આવતી "ગુજરાતનો નાથ" (1917)માં રાષ્ટ્રની એકતા-અખંડિતતા માટે 'એકેકેન્દ્રી શાસનપદ્ધતિ' અને તે માટે દેશભક્તિ જન્માવી પ્રેરી શકે તેવો સબળ નેતા જોઈએ તેની વાત કેન્દ્રમાં છે. આજના ભારતની સ્થિતિ જોતાં લગભગ સો વરસ પછી આ નવલકથા ઘણી પ્રસ્તુત અને ઉપયોગી લાગે છે.
ભાવકોની જિજ્ઞાસાવૃત્તિને સતત સંકોરતા રહીને અત્યંત ગતિશીલ શૈલીમાં કથાપ્રવાહને આગળ લઈ જવાની કલામાં મુનશીની કાબેલિયત બેમિસાલ છે. સોલંકી સમયની સુવર્ણભરી વૈભવી યાદોને એમણે મુંજાલ-મીનળ, ત્રિભુનપાળ - કાશ્મીરાદેવી (જે 'પાટણની પ્રભુતા'માં પ્રસન્ન છે)ના પ્રસંગોથી આગળ ધપાવી છે તો જયદેવ-રાણક, ખેંગાર-સોમસુંદરી અને સૌથી વધુ તો કાક-મંજરી જેવાં પ્રણયી યુગલોના પ્રેમપ્રસંગોથી અત્યંત રસિક બનાવી છે. વાચકને છેક સુધી વિચારતો રાખે છે કે 'ગુજરાતનો નાથ' કોણ? જયદેવ? મુંજાલ? ત્રિભુવનપાળ? કે કાક?
પ્રજાને એકતાંતણે બાંધી ખરેખરી રીતે ગુજરાતની પ્રજાના હૃદયસમ્રાટ થવું અને ભારત આખાનું એકચક્રી શાસન કરવું એવો દૂરંદર્શી સંકલ્પ જયસિંહને ગળે ઉતરાવી કાક તેની પરિપક્વતા, મુત્સદ્દીગીરી, ચાણક્યનીતિ, પરાક્રમ અને સૌથી વધુ તો દેશદાઝની પ્રતીતિ કરાવે છે.
આ સૌમાં મુંજાલના પુત્ર કીર્તિદેવનું પાત્ર, શો છોકરો! શો પ્રભાવ! એવો પુત્ર હોય તો ઇકોતેર પેઢી તારે! (મુંજાલ) કેન્દ્રસ્થાને-સૂત્રરૂપે છતાં 'ગુજરાતના નાથ'નું મુખ્ય પાત્ર નથી, મુંજાલનો એ ખોવાઇ ગયેલો પુત્ર છે. એ પોતાના પિતાને, પોતાના કુળ-ગોત્રને જાણવા માગે છે અને એ પ્રસંગો નવલકથામાં સૌથી રોમાંચક-રોમહર્ષણ થયાં છે. 'મુંજાલ અને કીર્તિદેવનો મેળાપ' એ પ્રકરણ વાચકને વારંવાર વાંચવાનું મન થાય છે તે એમનેમ તો નહીં જ.
નવલકથાની શરૂઆત નાટ્યાત્મક રીતે ન કરે તો એ મુનશી શેનાં? હજાર વરસ પહેલાંની કડકડતી ઠંડીવાળી એક રાતે પાટણમાં પ્રવેશવા ઇચ્છુક ચારસો-પાંચસો જણાંની વચ્ચે સરસ્વતીને કિનારે ચારેક અજાણ્યા યોદ્ધાઓ (મુંજાલ-જયદેવ, ખેંગાર-કાક)ના પરિચયથી કથા શરૂ થાય છે. પાટણના વૈભવનું વર્ણન કરવામાં લેખકે કોઇ કસર રાખી નથી.
પ્રજાને એકતાંતણે બાંધી ખરેખરી રીતે ગુજરાતની પ્રજાના હૃદયસમ્રાટ થવું અને ભારત આખાનું એકચક્રી શાસન કરવું એવો દૂરંદર્શી સંકલ્પ જયસિંહને ગળે ઉતરાવી કાક તેની પરિપક્વતા, મુત્સદ્દીગીરી, ચાણક્યનીતિ, પરાક્રમ અને સૌથી વધુ તો દેશદાઝની પ્રતીતિ કરાવે છે. એના જીવનમાં 'મંજરી'નો પ્રવેશ થાય છે અને કથાપ્રવાહ એટલો વેગવાળો બને છે કે વિના પ્રયત્ને વાચક એમાં તણાવા-મોજથી સહજ રીતે તરવા લાગે છે. કપટી, કાવતરાબાજ ઉદો સોંદર્યવાન મંજરીને ઉપાડી જવાના પેંતરા કરે છે. કાક-કીર્તિદેવ અણધારી રીતે તેને બચાવે છે. શરૂમાં તો કાકને સામાન્ય સામંત સમજી 'કૂતરી પાછળ દોડતાં કૂતરા' જેવો કહી મંજરી તિરસ્કારે છે પણ અનેક પ્રસંગે તે એને બચાવે છે તે અનુભવી તથા એનાં અન્ય પરાક્રમો જોઇ, સાહસ, શૌર્ય અને મુત્સદ્દીગીરીથી પ્રભાવિત થઈ કાકને પોતાનો સૌભાગ્યનાથ સમજે છે.
કાક જેવો અપ્રતિમ સાહસો કરનાર, ઉદાર, કર્તવ્યભાવનાથી સતત પ્રેરાયેલો, દીર્ઘદ્રષ્ટિવાળો, કાલાગ્નિ સમાન દુર્ઘર્ષ, બૃહસ્પતિ જેવી બુદ્ધિ ધરાવનારો અને ચાણક્યનીતિમાં નિપુણ હોય એ જ રાષ્ટ્રને એક અને અખંડિત કરી શકે.
'ઉષાએ શું જોયું?' જેવાં કેટલાંક રસિક પ્રકરણો વાચકો મમળાવતાં રહે છે. મગરૂર મંજરી ત્રણેક વખત પુરુષવેશ લઈ પોતે પણ પરાક્રમો-સાહસ કરે છે તે વાચકને રસપ્રવાહમાં ખેંચી જાય છે. જો કે, કેટલાક પ્રસંગો ખરેખરા ચમત્કારી લાગે, ગોઠવી કઢાયેલા લાગે પણ મુનશીની કથા કહેવાની ફાવટ એટલી જબરજસ્ત છે કે રાજખટપટના, પ્રપંચના, સંઘર્ષના, યુદ્ધના, તંત્રવિદ્યાની અજમાયશના વગેરે પ્રસંગો વાચક રસપૂર્વક વાંચતો રહે છે. માનવસ્વભાવ સર્વ સ્થળે, સર્વ સમયે સરખો રહે છે એટલે કાળતરાં ઘડતા, ખટપટો કરતાં, જરજમીન અને જોરૂ માટે કુછ ભી કરતાં, દિલ ફાડીને પ્રેમ કરતાં, સાહસો કરતાં, પરાક્રમો કરતાં, નીતિ-અનીતિની ચિંતા ફગાવી દઈ ધ્યેય સિદ્ધ કરવા મચી પડતાં, યુદ્ધ કરતાં, વિરહમાં તરફડતાં, મિલનની વેળાએ ઉત્કટ લાગણીઓ વ્યક્ત કરતાં પાત્રો સાથે વાચકનો સહજ મનમેળ થઈ જાય છે.
મુનશીને એ જ બતાવવું છે કે કીર્તિદેવ જેવો ભાવનાશીલ સ્વપ્નસેવી હોય, મુંજાલ જેવો મુત્સદી નરપુંગવ હોય, ત્રિભુવનપાળ જેવો શૂરવીર હોય અને સૌથી વધુ તો કાક જેવો અપ્રતિમ સાહસો કરનાર, ઉદાર, કર્તવ્યભાવનાથી સતત પ્રેરાયેલો, દીર્ઘદ્રષ્ટિવાળો, કાલાગ્નિ સમાન દુર્ઘર્ષ, બૃહસ્પતિ જેવી બુદ્ધિ ધરાવનારો અને ચાણક્યનીતિમાં નિપુણ હોય એ જ રાષ્ટ્રને એક અને અખંડિત કરી શકે અને સમૃદ્ધિના શિખરે પહોંચાડી શકે. દેશદાઝ મુખ્ય ગુણ છે.
|