‘મહાભારત: માનવસ્વભાવનું મહાકાવ્ય’ ગુણવંત શાહનો 664 પૃષ્ઠનો આસ્વાદમૂલક અભ્યાસગ્રંથ છે. એનાં નવ પ્રકરણોમાં પ્રથમ પ્રકરણ આજના સંદર્ભમાં મહાભારતનું મહત્ત્વ સમજાવે છે. બીજાં આઠ પ્રકરણમાં નવ પાત્રોને કેન્દ્રમાં રાખીને મહાભારતનાં વિવિધ કથા ઘટકોનું ભાષ્ય રજૂ કર્યું છે. ભીમ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, દુર્યોધન, દ્રૌપદી, કર્ણ, અર્જુન, યુધિષ્ઠિર, કૃષ્ણ. ગુણવંતભાઇનો દૃષ્ટિકોણ કૃષ્ણનિર્મિત છે. એમ પણ કહી શકાય કે આ ગ્રંથ ગુણવંતભાઇનું કૃષ્ણાયન છે.
ગુણવંતભાઈએ મહાભારતને બહારથી પણ જોયું છે, અનેક વિદ્વાનોના સંદર્ભો સાથે, અને ભીતરથી માણ્યું છે
અહીં ભીમ વિશે સ્વતંત્ર પ્રકરણ નથી. દ્રૌપદી વિશેના પ્રકરણનું (પૃ. 262 થી 266) એક પેટા પ્રકરણ છે. ‘દ્રૈાપદીને ભીમ વહાલો લાગ્યો.’ ગુણવંતભાઇ સામાન્ય વાચકની ઉપેક્ષા કરતા નથી. વળી, એ આતંકવાદના પ્રખર વિરોધી છે. તો પછી ભીમને એના કદ પ્રમાણે સ્થાન કેમ નહીં? આની ચર્ચા અમેરિકામાં બેઠાં બેઠાં મધુસૂદન કાપડિયા અચૂક કરશે. રામાયણ પછી મહાભારતનો સ્વાધ્યાય કરવા એમણે જ સૂચન કરેલું. ભીમ માત્ર પાંડવોના પગ નથી, ક્યારેક સૂક્ષ્મ ચર્ચા કરી શાંતિ માટેની વિષ્ટિને આવકારે પણ છે. ભારતીય ભાષાઓમાં માત્ર ભીમ વિશે જ નહીં, હિડિમ્બા વિશે પણ સ્વતંત્ર પુસ્તક લખાયાં છે.
કૃષ્ણકેન્દ્રી અભિગમ ધરાવતા ગુણવંતભાઇએ ‘સંભવામિ ક્ષણે ક્ષણે’, ‘અસ્તિત્વનો ઉત્સવ’, ‘કૃષ્ણં શરણમં ગચ્છામિ’, ‘કૃષ્ણનું જીવનસંગીત’ જેવાં પુસ્તકો પૂર્વે આપ્યાં છે. રામાયણનો આસ્વાદ કરાવતો ગ્રંથ ‘માનવતાનું મહાકાવ્ય’ હિન્દીમાં પણ લોકપ્રિય નીવડ્યો છે. ગુણવંતભાઇ મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી, જન્મે પટેલ અને કૃષિ સાથે પણ નાતો, વિનોબાજીથી પ્રભાવિત થઇ પંચશીલ યાત્રાઓ આરંભી, માતૃભાષા વંદનાનું ગુજરાતવ્યાપી આયોજન કર્યું, સાહિત્ય પરિષદના રા.વિ. પાઠક સભાગૃહને સગવડભર્યું કરવા ટહેલ નાખી.
મોરારિબાપુ પ્રેરાયા, પછી તો ખુદ ગુણવંતભાઇએ પણ એમનાં પ્રવચનોનો પુરસ્કાર સાહિત્ય પરિષદ ભણી વાળ્યો. ગીતા જે અનાસક્તિ યોગનો મહિમા કરે છે એને સ્વભાવ બનાવવાની એમની મથામણ લાગે છે. તેથી મહાભારત વિશેના આ ગ્રંથને માનવ સ્વભાવનું મહાકાવ્ય જેવું ઉપશીર્ષક આપ્યું છે.
પ્રથમ પ્રકરણમાં સ્વભાવ પર ભાર છે. ‘પ્રકૃતિમ્ યાન્તિ ભૂતાનિ’નો અનુવાદ કર્યો છે: ‘સ્વભાવે જાય છે પ્રાણી.’ ‘સ્વભાવે વર્તતાં પ્રાણી’ એવો અનુવાદ પણ થઇ શકે. જોકે મૂળ શ્લોકનું આ એક ચરણ ‘પ્રકૃતિમ્ યાન્તિ ભૂતાનિ’ ગુણવંતભાઇના વાચકોને તો અનાયાસ સમજાઇ જાય: ‘પ્રકૃતિ’નો વિકલ્પ પ્રકૃતિ જ છે. મહાભારત પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેની ગડમથલ છે. ગુજરાતીમાં ઉમાશંકર જોશી અને દર્શકે મહાભારત આધારિત સર્જન પણ કર્યું અને વ્યાસના દર્શનની મીમાંસા પણ કરી. એ પૂર્વે અમારી પેઢીના કિશોરો નાનાભાઇ ભટ્ટનાં ‘મહાભારતનાં પાત્રો’ અને ‘રામાયણનાં પાત્રો’થી પોષણ પામેલા. ગુણવંતભાઇએ આ ગ્રંથની રચનારીતિ પાત્રપ્રધાન રાખી તેથી જ કદાચ આટલાં વર્ષોમાં પહોંચી વળ્યા. દ્રૌપદી વિશેના પ્રકરણની લેખશ્રેણી હજી ‘નવનીત-સમર્પણ’માં પ્રગટ થતી રહે છે.
બંગાળી સર્જક-વિવેચક-ચિંતક બુદ્ધદેવ બસુએ મહાભારતના નાયક કોણ? એ પ્રશ્નને કેન્દ્રમાં રાખીને સમગ્ર ગ્રંથનો આસ્વાદ કરાવ્યો છે. એનો અનુવાદ ડૉ. અનિલા દલાલે કર્યો છે. બુદ્ધદેવ બસુ કૃષ્ણ, અર્જુન આદિ પાત્રોનો વિચાર કરીને અંતે તારવે છે કે યુધિષ્ઠિર મહાભારતના નાયક છે. ગુણવંતભાઇ કહે છે કે શ્રીકૃષ્ણ મહાભારતના ‘શાશ્વત લીલાપુરુષોત્તમ’ છે. પ્રકરણના આરંભે શ્રી અરવિંદના કૃષ્ણમય દૃષ્ટિપાતનું દીર્ઘ અવતરણ છે. ગુણવંતભાઇને આજના સંદર્ભમાં પણ શ્રીકૃષ્ણ નવી પેઢીના પ્રેરણાસ્રોત લાગે છે:
‘કૃષ્ણના અખિલ જીવનદર્શનને સમજવામાં આપણને દ્રોણાચાર્ય તરફથી ખૂબ જ મદદ મળે તેમ છે. દ્રોણાચાર્યને સમજવામાં વિનોબાજીના બે શબ્દો ઉપકારક થાય તેમ છે: ‘ઘરડો તર્ક’. યાદ રહે કે આ બે શબ્દો વિનોબાજીએ છેક 1941માં પ્રયોજ્યા હતા. એમના નિબંધસંગ્રહ ‘મધુકર’ના પ્રથમ પ્રકરણનું મથાળું છે: ‘ઘરડો તર્ક’. માનવું પડશે કે મહાભારતના યુગમાં પણ ‘જનરેશન ગેપ’ જેવું કશુંય ન હોય તે શક્ય નથી. કૃષ્ણની જીવનશૈલીમાં જે નૂતન યુગબોધ પ્રગટ થયો, તે (ભીષ્મ અને દ્રોણની) જૂની પેઢીની પરંપરાગત અને વાસી મૂલ્યપ્રથા સાથે વારંવાર અથડાયો. એક બાજુ ઘરડો તર્ક અને બીજી બાજુ કૃષ્ણની તાજગીથી છલોછલ એવો નૂતન ‘ધર્મધ્વનિ’.(પૃ. 608, મહાભારત: માનવસ્વભાવનું મહાકાવ્ય)
ગુણવંતભાઇ શ્રીકૃષ્ણને સર્વલોકના મહેશ્વર માનવાની સાથે સર્વના સુહૃદ પણ કહે છે. આમ કહીને એ નવી પેઢી સાથે મૈત્રી કેળવતા લાગે છે, એ યોગ્ય જ છે, પરંતુ પ્રતીતિ એવી થાય છે કે આ લેખકને લીલા પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા છે. એ પ્રકરણનું શીર્ષક પૂર્ણ પુરુષોત્તમ પણ રાખી શક્યા હોત. જેમ કે મર્યાદા પુરુષોત્તમ રામની વંદના પછી એ શ્રીકૃષ્ણ ભણી વળ્યા છે. જોકે એમણે પોતાની શ્રદ્ધા દૃઢ કરવા માટે ‘ગોપીગીત’માં વ્યક્ત વિરહનો અનુભવ કરવાનો રહેશે. શ્રીમદ્ ભાગવતનો દશમ સ્કંધ કવિતાની દૃષ્ટિએ પણ અનન્ય છે.
શસ્ત્ર ન ઉપાડવાનો શ્રીકૃષ્ણે સંકલ્પ કર્યો હતો છતાં એમણે જોયું કે ‘પિતામહ પ્રત્યેના આદરભાવને લીધે અર્જુન હૃદયપૂર્વક લડતો નથી, કૃષ્ણનો ક્રોધ વધી પડ્યો ત્યારે તેઓ રથનું પૈડું હાથમાં લઇને ભીષ્મ તરફ ધસી ગયા.’ ભીષ્મ કહે છે:
‘આપે મારા પર આક્રમણ કર્યું તેથી હું ત્રણેય લોકમાં સન્માનિત થયો છું.’ (પૃ. 623)
ભીષ્મનો કૃષ્ણ પ્રત્યેનો ભક્તિભાવ ‘જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ’ એ સૂત્રનું સમર્થન કરે છે. કૃષ્ણનો નિર્ણય, કૃષ્ણનું જે તે પરિસ્થિતિમાં વર્તન એ જ ધર્મ, આટલું સ્વીકાર્યા પછી ‘કરિષ્યે વચનમ્ તવ’ સુધી પહોંચી શકાય. ગુણવંતભાઇએ મહાભારતને બહારથી પણ જોયું છે, અનેક વિદ્વાનોના સંદર્ભો સાથે, અને ભીતરથી માણ્યું છે. રામાયણ-મહાભારત વિશેના એમના સ્વાધ્યાયને મૂલવવા એક આખું સત્ર યોજાવું જોઇએ.
Courstey:
* Divya Bhaskar
* Raghuvir Chaudhri