Mahan Hridayona Saregamapadhani ( Gujarati Bhavanuvad of The 7 Habits Of Highly Effective People )
મહાન હૃદયોના સારેગમપધની
સંજીવ શાહ
ઓએસિસના ફાઉન્ડર સંજીવ શાહે સુપ્રસિદ્ધ લેખક સ્ટીફન કોવીના ‘સેવન હૅબિટ્સ ઓફ સક્સેસફુલ પીપલ’ તથા ચારિત્ર્યઘડતરના પાયાના સિદ્ધાંતોને આધારે લખેલું પુસ્તક ’મહાન હૃદયોના સારેગમપધની’ સેંકડો લોકોના વ્યક્તિત્વમાં આમૂલ પરિવર્તન લાવવામાં નિમિત્ત બન્યું છે.
જે શિક્ષણ કે કેળવણી સામાન્ય લોકોને તેમના સંઘર્ષો માટે, જીવન માટે તૈયાર ન કરતું હોય; જે તેમના ચારિત્ર્યની શક્તિ બહાર ન લાવતું હોય, તેમનામાં ઉદારતા જન્માવતું ન હોય અને સિંહ જેવી હિંમત ન લાવતું હોય-તેને ભલા શિક્ષણ કહેવાય ખરું? તમામ શિક્ષણ, કેળવણી કે તાલીમનો આદર્શ છેવટે માનવ-ઘડતર જ હોવો ઘટે.’ સ્વામી વિવેકાનંદે શિક્ષણ વિશે કહેલા આ શબ્દો આજે પણ કેટલા સાચા છે! આજે આવું શિક્ષણ મળે છે? ભારતમાં શિક્ષણ ક્ષેત્રનું ફલક મોટે ભાગે એકેડેમિક્સ સુધી જ સીમિત રહ્યું છે. કદાચ એટલે જ ઘણી વાર જોવા મળે છે કે શિક્ષિત ને પ્રોફેશનલી ક્વૉલિફાઇડ વ્યક્તિઓ પણ જિંદગીમાં અણધારી કે આકસ્મિક તકલીફો આવે છે ત્યારે તેનો સ્વસ્થતાથી સામનો કરવામાં પાછી પડે છે એટલું જ નહીં, આપણી આજની શિક્ષણપદ્ધતિ વ્યક્તિને તેના સમાજ, વાતાવરણ અને દેશ પ્રત્યેની ફરજોથી પણ વિમુખ કરતી હોય તેવી લાગણી ઘણી વાર અનુભવાય છે. રેગિંગ્સ, હત્યાઓ, વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ, સફળતાનો શોર્ટકટ અપનાવવા મૂલ્યોને નેવે મૂકતા યુવાનો, વાસ્તવિક જીવનની વિષમતાઓથી નાસીપાસ થતા કે આતંકવાદમાં સમસ્યાનો ઉત્તર શોધતા યુવાનો - આ બધા શિક્ષણવ્યવસ્થામાં થયેલી ચારિત્ર્યઘડતરની ઉપેક્ષા પ્રત્યે જ આંગળી નથી ચીંધતા?
|