પ્રકાશનો પડછાયો (જીવનચરિત્રમૂલક નવલકથા)
દિનકર જોશી
ગાંધીજીના જયેષ્ઠ પુત્ર સદ્દગત હરિલાલના જીવન પર આધારિત જીવનકથાત્મક નવલકથા
'પ્રકાશનો પડછાયો' જીવનચરિત્રમૂલક નવલકથા મુંબઈના 'સમકાલીન' તથા અમદાવાદ, વડોદરા અને રાજકોટના 'લોકસત્તા' અને 'જનસત્તા' દૈનિકોની સાપ્તાહિક પૂર્તિમાં ધારાવાહિક રૂપે પ્રગટ થઇ હતી.
આ નવલકથા ઉપરથી અંગ્રેજીમાં રૂપાંતરિત થયેલું નાટક ' મહાત્મા વર્સેસ ગાંધી' એ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.એવી આ નવલકથા મહાત્મા ગાંધીજીના જયેષ્ઠ પુત્ર સદ્દગત હરિલાલના જીવન પર આધારિત જીવનકથાત્મક રીતે આલેખન પામી છે. આ જીવનચરિત્રમૂલક નવલકથાને સાહિત્ય પરિષદનું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યું છે.
મહાત્મા ગાંધીજીના જયેષ્ઠ પુત્ર સદ્દગત હરિલાલના ગાંધીના જીવન પરથી, એટલે કે સત્ય ઘટના પરથી લખાઈ હોવાને કારણે એ સાહિત્યક બની ગઈ એવું નથી. એ કૃતિમાં હરિલાલ ગાંધીના પાત્ર દ્વારા સતત પિતાની આભામાંથી બહાર નીકળી પોતાના બળથી આગળ વધવા માંગતા અને એમાં સતત નિષ્ફળતા મળવાને લીધે વિકૃતિ તરફ ધકેલાઈ ગયેલા એક પુરુષની કરુણતા લેખકે ઉપસાવી છે. તે આસ્વાદનો વિષય બને છે.
ગાંધીજીનો જાહેર જીવનમાં શુદ્ધિનો અતિ આગ્રહ હરિલાલને એની યુવાવસ્થામાં કેવો અન્યાય કર્તા બની ગયો, યુવાન હૃદયમાં ખૂચેલી એ કણી ક્રમશ કેવી રીતે પિતા પ્રત્યેની નફરતમાં બદલાઈ ગઈ, પિતાથી જુદી રીતે જીવન ગોઠવવાની સંનિષ્ઠ મથામણો પછી પણ મળેલી નિષ્ફળતાઓ એ નફરતને સંકોરવામાં કેવી રીતે નિમિત્ત બની અને અંતે એક મહાન પુરુષના પુત્રના જીવનનો કેવો કરુણ અંજામ આવ્યું એનું સારું ચિત્રણ તેમણે કર્યું છે.
|