શ્રી રામકૃષ્ણ પરમહંસ
શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ ૧૮-૨-૧૮૩૬ના રોજ કામારપુકુર નામના એક ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ખુદીરામ અને માતાનું નામ ચંદ્રમણિ દેવી હતું. બાળપણમાં શ્રીરામકૃષ્ણનું નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું. પાછળથી જગતમાં તે ઠાકુર રામકૃષ્ણ પરમહંસ નામે ઓળખાયા. તે ૭ વર્ષની વયના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. તેમના મોટા ભાઈ રામકુમાર દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં પૂજારી તરીકે રહ્યા અને રામકૃષ્ણ એમની મદદમાં રહ્યા. પણ રામકુમારે ય લાંબું જીવ્યા નહીં અને કાલી માતાની પૂજાનો ભાર રામકૃષ્ણના માથે આવ્યો. રામકૃષ્ણને મન કાલી માતાની મૂર્તિ એ પથ્થરની પ્રતિમા નહોતી પણ હાજરાહજૂર કાલી માતા પ્રત્યક્ષ અનુભવાતા દેવી હતાં. એ પૂજા કરવા બેસતા ત્યારે બહારનું અનુસંઘાન છૂટી જતું અને દુનિયાનું ભાન ભૂલી જતા. કેટલીકવાર તો કલાકો સુધી જડવત્ બેસી રહેતા. કોઈ બોલાવે તોય બોલતા નહીં. ધીમે ધીમે તેમની સાધના અને ભક્તિ વધતી ગઈ. કાલી માતાના દર્શનની તાલાવેલી એવી થઈ ગઈ કે અહર્નિશ 'મા! મને દર્શન દે' એમ બોલ્યા કરે અને રડયા કરે. પાગલ જેવું વર્તન કરે. દેવીના દર્શનનો વિયોગ એટલો બધો અનુભવવા લાગ્યા કે એક દિવસ તો હવે દેવીમાતાના દર્શન વગર જીવવું જ નથી એમ નક્કી કરી મંદિરની તલવાર ઉઠાવી, મ્યાનમાંથી તે બહાર કાઢી પોતાનો શિરચ્છેદ કરવા જતા હતા ત્યાં જ માતા કાલીએ પ્રગટ થઈ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને તેમનો હાથ પકડી તેમને રોકી લીધા હતા. આ વખતે રામકૃષ્ણ મૂર્છિત થઈ પડી ગયા હતા અને તેમને બે દિવસે ભાન આવ્યું હતું! તે વખતે તેમના અંતરમાં આનંદ છવાઈ ગયો હતો.
આ ઘટના બની પછી તો તેમને મંદિરમાં મૂર્તિ નહીં સાક્ષાત્ કાલી માતાના જ દર્શન થતા. રામકૃષ્ણ પોતે જ કહે છે, 'હું માતાજીના નાક સામે હથેળી રાખતો ત્યારે મને માતાજીના શ્વાસોચ્છ્વાસનો પણ અનુભવ થતો. રાત્રે માતાજીની સામે દીવો ધરી એમનો પડછાયો જોવા હું બહુ મથામણ કરતો પણ મને એમનો પડછાયો કદી દેખાયો નથી. હું મારા ઓરડામાંથી માતાજીને બાલિકા સ્વરૃપે મેડી પર જતાં જોતો અને મને એ ચાલતાં હોય ત્યારે એમના પગમાં પહેરેલા ઝાંઝરનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો. તે ઘણીવાર મંદિરના મેડાના ઝરૃખામાં ઊભા રહી ઘડીભર શહેર તરફ તો ઘડીભર ગંગાજી તરફ નિહાળતા રહેતાં.'
રામકૃષ્ણની ઘેલછા વધવા લાગી એટલે ઘરના લોકોએ વિચાર્યું કે આ છોકરો ગાંડો થઈ ગયો છે તો એને પરણાવી દઈએ તો ડાહ્યો થઈ જાય. ૨૩ વર્ષની વયે શારદામણિ દેવી નામની કન્યા સાથે તેમના લગ્ન થયા. તેમ છતાં તેમનું ગાંડપણ એવું ને એવું જ રહ્યું. ઊલટું વધવા લાગ્યું. તે પોતે જ કહે છે, 'તે વખતે મને મારી શરીરની સ્થિતિનું કે કપડાંનુંય ભાન ન રહે. ઘણીવાર તો હું કૂતરાંની સાથે ખાવા બેસી જતો. માથા પર જટિયાં વધી ગયા હતા. પૂજા કરતી વખતે ચોખાના દાણા તેમાં ભરાઈ જતાં તે ખાવા ચકલાં મારા માથે બેસી જતાં. ધ્યાન કરવા બેઠો હોઉં ત્યારે સાપ મારા શરીર પરથી ચાલ્યો જતો. પણ મને સમય કે સ્થિતિનું ભાન જ ન રહેતું.'
એક દિવસ એક અદ્ભુત ઘટના બની. રામકૃષ્ણ બાગમાં ફૂલ વીણતા હતા ત્યાં તેમણે એક દૈદીષ્યમાન સ્ત્રીને હોડીમાંથી ઘાટ પર ઊતરતા જોઈ. તે રામકૃષ્ણની સન્મુખ આવીને ઊભી રહી. રામકૃષ્ણને જોતાં તેને ખબર પડી ગઈ કે આ દૈવી જીવ છે અને સાધનામાં ઊંડે ઊતરેલો છે. તેણે રામકૃષ્ણને તાંત્રિક સાધના શીખવી. જે શીખતાં બીજાને વર્ષો લાગે તે રામકૃષ્ણ માત્ર ત્રણ દિવસમાં શીખી ગયા. પછી તેમને અનેક દેવ- દેવીઓના પ્રત્યક્ષ દર્શન થવા લાગ્યા હતા. તેમાં રાજરાજેશ્વરી ત્રિપુરાસુંદરીના દર્શન તો ભવ્યાતિભવ્ય હતા. રામકૃષ્ણને તંત્ર સાધના શીખવનાર તે તેજસ્વી સ્ત્રી માતાજીની ભૈરવી હતી અને તંત્રશાસ્ત્રના અતિ ગૂઢ રહસ્યો તેની પાસેથી રામકૃષ્ણને શીખવા મળ્યા હતા!
તે પછી ઈ.સ. ૧૮૬૫ના વર્ષ દરમિયાન હરિયાણાના 'નાગાબાવા' પંથના સિદ્ધ યોગી શ્રી તોતાપૂરી કોલકાતાના વિખ્યાત દક્ષિણેશ્વર મંદિરની મુલાકાતે આવ્યા ત્યારે મંદિરના ઘાટ તરફના ભાગમાં સાધુસંતોની ભીડમાં ઊભા રહેલા યુવાન રામકૃષ્ણ પર તેમની દૃષ્ટિ પડી. જેમ કાબેલ ઝવેરી સાચા હીરાને જોતાની સાથે ઓળખી લે તેમ તેમણે રામકૃષ્ણને ભવિષ્યના એક મહાન યોગીરૃપે ઓળખી લીધા. રામકૃષ્ણે પણ તેમને સિદ્ધ પુરુષ તરીકે ઓળખી લીધા અને તેમને પોતાના ગુરુ બનાવ્યા. નાગાબાવા તોતાપૂરીએ તેમને નિર્વિકલ્પ સમાધિની રીત શીખવી અને તમામ માર્ગદર્શન આપ્યું. જે શીખતાં તોતાપૂરીની આખી જિંદગી નીકળી ગઈ હતી તે રામકૃષ્ણે માત્ર અગિયાર મહિનામાં શીખી લીધું હતું!
સિદ્ધ યોગી તોતાપૂરીએ રામકૃષ્ણને ધ્યાન ધરી ચેતનામાંથી તમામ પદાર્થ, પ્રાણી, માનવી અને દેવદેવીની આકૃતિ હટાવી મુક્ત અવસ્થામાં જવાનો આદેશ આપ્યો. રામકૃષ્ણ ધ્યાનમાં બધી આકૃતિઓથી પર થઈ શક્યા પણ કાલી માતાની મૂર્તિ હટાવી શક્યા નહીં. તોતાપૂરીએ એ કરવું પણ જરૃરી છે એમ જણાવી એની રીત શીખવી અને તેમાં સહાયભૂત થવા કુટીરમાં પડેલા એક કાચના ટુકડાને ઉઠાવી તેનો અણીદાર ખૂણો રામકૃષ્ણની બે ભ્રમરો વચ્ચે આવેલા 'આજ્ઞાાચક્ર' પર દબાવ્યો. રામકૃષ્ણ તરત જ નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં પહોંચી ગયા. તે અવસ્થા ત્રણ દિવસ સતત ચાલુ રહી. પછી જ્યારે તોતાપૂરીએ એમના કાનમાં 'હરિ ઁ' મંત્રનો જાપ કર્યો ત્યારે તે તેમાંથી બહાર આવ્યા હતા. નાગાબાવા તોતાપૂરી ત્રણ દિવસથી વધારે સમય કોઈ પણ જગ્યાએ રહેતા નહોતા પણ તે રામકૃષ્ણ પરમહંસ સાથે અગિયાર મહિના રહ્યા હતા.
એક દિવસ તોતાપૂરી પંચવટીમાં ધૂણી ધખાવીને રાત્રિના સમયે સાધના કરવા બેઠા હતા ત્યારે એકાએક એક આકૃતિ તેમની સમક્ષ પ્રગટ થઈ. તેણે શરીર પર કોઈ વસ્ત્ર ધારણ કરેલું નહોતું પણ ભસ્મનો લેપ કરેલો હતો. તેણે જણાવ્યું કે તે શિવનો ગણ છે અને એ સ્થળની ચોકી કરવાનું કામ શિવની આજ્ઞાાથી કરી રહ્યો છે. તોતાપૂરીએ પણ કહ્યું કે પોતે શિવના સાધક છે અને સાધના કરવા જ ત્યાં બેઠેલા છે. રામકૃષ્ણ પરમહંસને પણ તે શિવના ગણની છાયાકૃતિ (એપરેશન)ના વારંવાર દર્શન થયા હતા. તેણે પણ રામકૃષ્ણને સમાધિના વધુ ઊંચા સ્તરે જવા સહાય કરી હતી. તેણે રામકૃષ્ણને એકવાર કહ્યું હતું, 'આ મંદિરની જમીન લઈ લેવા અંગ્રેજો પ્રયાસ કરશે. કોર્ટમાં કેસ ચાલશે અને તેમાં તેઓ હારી જશે.' સાચે જ, એમ બન્યું હતું. એ છાયાકૃતિની ભવિષ્યવાણી સાચી પડી હતી. રામકૃષ્ણ પરમહંસે તંત્રયોગના ગૂઢ રહસ્યોનું જ્ઞાાન મેળવી તેમાં સિદ્ધિ મેળવી હતી.
Courtesy : અગોચર વિશ્વ - દેવેશ મહેતા
http://gujaratsamachar.com
|