Samajik Krantina Mahanayak Dr Babasaheb Ambedkar By Kishore Makwana
સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકર
કિશોર મકવાણા
દલિતોના મસીહા ડૉ. આંબેડકર વિષે વાત કરતા ગુણવંત શાહે જણાવ્યું હતું કે, "ડૉ. આંબેડકર વિદેશ ભણવા ગયા ત્યાં સુધી ગાંધીજી એમ જ ધારતા હતા કે ડૉ. આંબેડકર બ્રાહ્મણ છે. ડૉ. આંબેડકર વિષે ગાંધીજીએ કહ્યું હતું, "હું તેમને બ્રાહ્મણ ધારતો હતો. તેમને અંત્યજોનું બહુ લાગે છે અને તેઓ કડવું બોલે છે." અર્થાત્ ડૉ. આંબેડકરના સંસ્કાર અને સંસ્કૃતિ બ્રાહ્મણત્વ સુધી પહોંચેલા હતા ત્યારે જ ગાંધીજીને એમ લાગ્યું કે એ બ્રાહ્મણ હશે. પરંતુ સમાજે તેમના આ બ્રાહ્મણત્વનો સ્વીકાર ન કર્યો. નહિંતર આજે પરિસ્થિતિ જુદી જ હોત." સતત ૨૦ વર્ષ સુધી હિન્દુ ધર્મની વર્ણવ્યવસ્થા સામે ઝઝૂમ્યા બાદ બાબા સાહેબ આંબેડકરે બૌધ્ધ ધર્મનો અંગિકાર કર્યો હતો. "ડો. આંબેડકર પાસેથી સંકલ્પના બળ અંગે શીખવા જેવું છે. વિચારના સંકલ્પની ગતિ અવાજ, પ્રકાશ અને કંઈક અંશે સૂર્યની ગતિ કરતા પણ વધારે હોય છે. અસ્પૃશ્યોની સમસ્યાઓ પ્રચંડ હિમાલય જેવી હોવાનું જાણતા હોવા છતાંય બાબાસાહેબે તેમણે પ્રાપ્ત કરેલી જ્ઞાનશક્તિ પરિવાર માટે નહિં પરંતુ અસ્પૃશ્યો માટે ખર્ચ કરવાનો નિર્ણય લીધો હતો."
ડો. બાબાસાહેબ આંબેડકરના મૃત્યુના ૫૬ વર્ષ બાદ પણ તેમના વિચારોનું પૂર્ણપણે મૂલ્યાંકન ન થયું હોવાનું માનતા લેખક કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે, "બાબા સાહેબના વિચારોનું પૂર્ણ મૂલ્યાંકન ન થવા માટે બે પરિસ્થિતિ જવાબદાર છે. એક તો તેમના સમર્થકો અને તેમના પ્રત્યે પૂર્વગ્રહો રાખનાર." .
|