Girnarna Siddh Yogio - અનંતરાય રાવળ
અનંતરાય મણિશંકર રાવળ (૧-૧-૧૯૧૨, ૧૮-૧૧-૧૯૮૮): વિવેચક, સંપાદક. જન્મ મોસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મેટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૨થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. પછી ત્રણેક માસ મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. જામનગરની ડી.કે.વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામક પદેથી નિવૃત્ત. પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્યભવનના અધ્યક્ષપદેથી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લૉ કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. વડોદરામાં ૧૯૮૦માં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૪નો સાહિત્ય અકાદમીનો એવોર્ડ.
વિવેચનમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ઊંડી નિષ્ઠા, સાંગોપાંગ નિરૂપણ, ઝીણું અને ઊંડું નિહાળતી વેધક દૃષ્ટિ, વિશાળ સમભાવ એમના વિવેચનની લાક્ષણિકતા છે. ‘ગુજરાતી સાહિત્ય: મધ્યકાલીન’ તેમનો મહત્ત્વનો વિવેચન ગ્રંથ છે. સંપાદક તરીકેની એમની કામગીરી પણ ઉલ્લેખનીય છે.
|