Mahamandap (Gujarati Articles On Love Marriage And Extra Marital Relationship) By Rajnikumar Pandya
મહામંડપ
રજનીકુમાર પંડ્યા
જીવનની પાયાની જરૂરિયાતો શું અને આ જીવનનો આધાર શું? જ્યારે આવો પ્રશ્ર્ન કરવામાં આવે ત્યારે ભૌતિકવાદીઓ પાસેથી સ્ટાન્ડર્ડ જવાબ મળે... ‘રોટી, કપડાં ઔર મકાન.’ મહ્દ અંશે આ જવાબ સાચો ગણાવી શકાય પણ માનવજીવન, અરે કહોને કે પશુ અને પક્ષીજગતમાં પણ જીવનની પાયાની જરૂરિયાતમાં ‘પ્રેમ’ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જુદા જુદા માનવીય સંબંધો પ્રેમરૂપી દોરીથી બંધાયેલા હોય છે. માતા-પુત્ર, બહેન-ભાઈ, પિતા-પુત્રી, પતિ-પત્ની આ દરેક સંબંધોના મૂળમાં પ્રેમ છે; તો વળી પ્રેમ છે માટે જ આ સંબંધોનું અસ્તિત્વ છે. પ્રસ્તુત પુસ્તકમાં પણ પ્રેમ અને સંબંધોને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
પુસ્તકને મુખ્યત્વે ત્રણ ખંડમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ ત્રણેય ખંડોના વિષયો એકબીજાથી તદ્દન ભિન્ન લાગે, પરંતુ ક્યાંક કોઈ સૂક્ષ્મ તંતુઓથી ખૂબ મજબૂત જોડાણ પણ રહેલું છે તેવું વાચક અવશ્ય અનુભવશે. પુસ્તકનો પહેલો ખંડ એટલે ‘સંબંધ પ્રેમનો’. અહીં પ્રથમ નજરના પ્રેમની વાત છે, તો એકપક્ષી પ્રેમનો પ્રવાહ પણ છે. પ્રણયભંગની પીડા અને પ્રેમના બદલે શંકાની સોય અંગે પણ ઉલ્લેખ છે. પાનખરના પ્રેમની વાતો પણ છે અને સ્ત્રી-પુરુષ વચ્ચે માત્ર મૈત્રી હોઈ શકે. આ પ્રશ્ર્નનો ઉત્તર પુરુષ અને સ્ત્રી બંનેની નજરે શું છે? - તેની વાત છે.
ખંડ-2માં ‘પરણ્યાં એટલે...’ મથાળાં હેઠળ પાંચ પ્રકરણો સમાવિષ્ટ છે. લગ્ન સોદાબાજી કે બીજું કાંઈ? નવાં પરણેલાં નવાં ક્યાં સુધી?, જોડાં જોડાં અને કજોડાં, લગ્ન વિના સમાંતર સંસાર જેવાં પ્રકરણોમાં પરણ્યા પછીની પરિસ્થિતિઓને આલેખવામાં આવી છે. દામ્પત્ય-જીવનની ઘટમાળને અહીં મૂલવવામાં આવી છે. જુદાં જુદાં વ્યક્તિત્વોની જુદી જુદી સમજ અને વિચારશક્તિની સાથે રહેલા વ્યક્તિગત તફાવતોની વાત પણ કરવામાં આવી છે.
આજે જ્યારે લીવ ઇન રીલેશનશીપ્નો માર્ડન યુગ આવી ગયો છે ત્યારે ખંડ-3માં લગ્નેતર સંબંધોની વાતને આલેખવામાં આવી છે. વળી લગ્નેતર સંબંધો અને જ્યોતિષશાસ્ત્ર, વ્યભિચાર અને ઇસ્લામી દંડ વિધાનને પણ અહીં જોડવામાં આવ્યાં છે. આ ઉપરાંત પુરુષને કેવી સ્ત્રી ગમે અને શા માટે? સ્ત્રી અને પુરુષ, પ્રદર્શનવૃત્તિ, મુગ્ધાઓનું મનોરાજ્ય જેવાં પ્રકરણો પણ અહીં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.
પ્રેમ, લગ્ન અને લગ્નેતર સંબંધોને અલગ અલગ રીતે ના મૂલવતાં ત્રણેય વિષયોને ‘મહામંડપ’ના શીર્ષક હેઠળ એક જ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. વિષય જરા હટકે છે પણ વાસ્તવિકતાની ઘણી નજીક હોઈ વાંચવું અવશ્ય ગમે તેવું પુસ્તક છે. આપણા પાકટ સમાજમાં આવાં પુસ્તકો, આવા મુદ્દાઓ ચર્ચાય છે. વંચાય છે જે સમાજની જાગરૂકતાને ઉજાગર કરે છે
|